ડાંગના સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ ‘માર્ગ સુધારણા’ અભિયાન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા.૦૧: વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમા આવેલા રાજ્યધોરી માર્ગ ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જતા, તેના સુધારણાનુ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ છે.
ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તરફથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર આંતરરાજ્ય સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાના દુર્ગમ ક્ષેત્રોમાંથી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હાઇ વે પસાર થાય છે. જે પૈકી ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ થી મુખ્ય વહિવટી મથક આહવાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ (વઘઇ-આહવા-ચિંચલી-બાબુલઘાટ) નંબર. SH-14 ઉપર ઠેર ઠેર વરસાદી પાણીને કારણે ખાડાઓ પડી જવા પામેલ છે.
મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તા.૧લી ઓક્ટોબર થી રાજયભરમા આવા માર્ગોનુ સુધારણા અભિયાન આદર્યું છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામા પણ વઘઇ-આહવા રાજ્ય ધોરી માર્ગ ઉપર ત્રણ ટીમને કામે લગાડી, માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામા આવી છે. જરૂર પડ્યે વધુ ટીમોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સ્ટેન્ડ બાય ટિમ પણ તૈનાત કરવામા આવી છે
ઉલ્લેખનીય છે કે, ડાંગ માર્ગ મકાન વિભાગ હસ્તક ૬ જેટલા રાજ્ય ધોરી માર્ગો આવેલા છે. જે પૈકી વઘઇ-આહવા સ્ટેટ હાઇ વે ઉપર જરૂરિયાત અનુસાર આ કામગીરી હાથ ધરવામા આવી છે. તેમ, ડાંગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામા આવ્યુ છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લા પંચાયત હસ્તક કુલ ૯૦૭.૭૭ કિલોમીટરના ડામર માર્ગો આવેલા છે. જે પૈકી ચોમાસામા ભારે વરસાદને કારણે નુકશાન પામેલા માર્ગોની સુધારણા માટે જિલ્લા પંચાયતે ૧૦ જેટલી ટીમો રોડ ઉપર ઉતારી આ કામગીરી હાથ ધરી છે. તેમ, ડાંગ જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા જણાવાયું છે.
–