આત્મનિર્ભર પેકેજ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકારની યોજના
(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૩૦: પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત એક યોજના શરૂ કરવામાં આવેલ છે. જેમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને એક ગાયના નિભાવ ખર્ચ પેટે સહાય આપવા ૯૦૦ રૂ. પ્રતિમાસના દરે રૂ. ૧૦૮૦૦ ની વાર્ષિક મર્યાદામાં સહાય મળશે.
આ યોજનાનો લાભ લેવા ખેડુત આઇડેન્ટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ. તથા તેના છાણ ગોમુત્રથી પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ. આ લાભ અન્ય ગાયો ધરાવતા ખેડૂતોને મળશે નહી. અરજદાર ખેડુતને જમીનના નમુના નંબર ૮-અ મુજબ એક જ લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે તા. ૩૦ સપ્ટેમ્બર થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૧ સુધી ૨૦ દિવસ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. ખેડુતોએ ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટ આઉટ મેળવી અરજદારે તેની ઉપર સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનુ સંમતિ પત્ર તેમજ બેંક પાસબુકની નકલ કે રદ્દ કરેલ ચેક સાથે દિન-૭ માં જે તે સજાના ગ્રામસેવક, આત્માના એટીએમ/બીટીએમ કે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ખેડુત તાલીમ કેન્દ્ર વ્યારા ખાતે રજુ કરવા અંગે આત્મા પ્રોજેક્ટ વ્યારાની અખબારી યાદીમાં જણાવાયુ છે.