ડાંગ : ગુજરાત ગાર્ડિયનના પત્રકાર હેમંત હડસની કાર આંતરી માર મારી મોબાઈલની લૂંટ
પત્રકાર હેમંત હડસ પુત્રીની પરીક્ષા માટે નવસારીમ જઈ રહ્યા હતા
સાકરપાતળ ગામ નજીક સુમસામ વિસ્તારમાં ચાર અજાણ્યા લૂંટારુઓએ દહેશત ફેલાવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): સાપુતારાથી બે કિલોમીટર દૂર આવેલા નવાગામ ખાતે રહેતા પત્રકાર હેમંતભાઈ હડસ સોમવારે નવસારીના અબ્રામા ખાતે દીકરીની પરીક્ષા હોવાથી સવારે 6 વાગ્યાના અરસામાં કારમાં સવાર થઈ નવસારી જવા નીકળ્યા હતા. એ દરમિયાન વઘઈના સાકરપાટળના સુમસાન વિસ્તારમાંથી પસાર થતી વેળા મહારાષ્ટ્ર પાસિંગની કાર ધરાવતા ચાર અજાણ્યા ઈસમોએ તેમની કાર આંતરી હતી અને હેમંતભાઈ કશું સમજે એ પહેલાં જ તેમને કોલરમાં થી પકડી લઈ લૂંટના ઇરાદે માર મારવાનું શરૂ કરી દીધું હતું.
સાપુતારા નજીક આવેલા નવાગામમાં રહેતા ગુજરાત ગાર્ડિયન અખબારના સાપુતારાના પત્રકાર હેમંત હડસ સવારે છ વાગ્યાના અરસામાં નવસારીના અબ્રામા ખાતે દીકરી સાઇનીની ડિપ્લોમાની પરીક્ષા હોવાથી પોતાની મારુતિ બ્રેઝા કાર નં.(જીજે 30એ 1147)માં સવાર થઈ જઈ રહ્યાં હતાં. એ વેળા વઘઈના સાકરપાતળ પાસેના સુમસાન વિસ્તારમાંથી પસાર થતી વેળા હુન્ડાઇ કંપનીની કાર નં.(એમએચ 42 કે 240)માં સવાર કારચાલકોએ રસ્તો આંતર્યો હતો. એ વેળા કારની બહાર ઊભેલા ચાર પૈકીના બે જણાએ હેમંતભાઈની કારનો દરવાજો ખોલવા કહેતાં તેમણે દરવાજો ખોલતાં જ લૂંટના ઇરાદે માર મારવાનું શરૂ કરી દીધું હતું. આથી હેમંતભાઈએ તેમનો પ્રતિકાર કરી ફોટો પાડવાનું શરૂ કરતાં લુંટારુઓએ મોબાઇલ ઝૂંટવી લીધો હતો. એ બાદ કાર તેમની કાર ચાલુ જ હતી. અને અન્ય એક લુંટારુ તેમની દીકરી તરફનો દરવાજો ખોલવા જતાં જ હેમંતભાઈએ દીકરી સાથે હોવાથી બચવા માટે કાર હંકારી મૂકી હતી. બાદ થોડે દૂર જઈ કાર ઊભી રાખી વળાંક લીધો હતો. આ તરફ લુંટારુઓ પણ હેમંતભાઈ ત્યાંથી ગભરાઈને રવાના થઈ ગયા હશે એમ માની સાપુતારા તરફના રસ્તે ગાડી હંકારી ગયા હતા. પરંતુ હેમંતભાઈએ તેમનો પીછો કરતાં નાનાપાડા પાસે તેમની કાર આંતરી લીધી હતી. લુંટારુઓની કાર આંતરી લીધા બાદ તેમણે બૂમાબૂમ કરતાં જ લોકો મદદે દોડી આવ્યા હતા. તેમણે ડાંગી ભાષામાં લોકો પાસે મદદ માંગતાં લોકોએ ચારેય લુંટારુઓને કારમાંથી બહાર કાઢી ઠમઠોરી લીધા હતા. એ દરમિયાન હેમંતભાઈએ ગામના આગેવાનની મદદ લઈ ફોનથી સાપુતારા પોલીસમથકનો સંપર્ક કર્યો હતો. એ વેળા લુંટારુઓ પાસેથી ગ્રામજનોએ ફોન ઝૂંટવી લઈ હેમંતભાઈને પરત કર્યો હતો. આ બનાવમાં ચારેય લુંટારુઓ હેમંતભાઈની કારની ચાવી કાઢી લઈ ફરી સાપુતારા તરફ કાર હંકારી ભાગી ગયા હતા. અને એ વેળા જ સાપુતારા પોલીસને અગાઉ જાણ કરી હોવાથી નાકાબંધી કરતાં સાપુતારા ચેકપોસ્ટ ઉપર તમામને દબોચી લીધા હતા. આ બનાવમાં નાનાપાડાના સુભાષ ગાઇન નામના આગેવાનની મદદથી પ્રાઇવેટ કારમાં હેમંતભાઈ સાપુતારા પહોંચ્યા હતા. એ બાદ શામગહાન ખાતે સીએચસીમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. હેમંતભાઈને માથાના ભાગે ઇજા થઈ હોવાથી હાલ સારવાર હેઠળ આપી આ બનાવમાં સાપુતારા પોલીસે ફરિયાદ લઈ બનાવનું સ્થળ વઘઈ હોવાથી વઘઈ પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી હતી. જેના આધારે પોલીસે ગણેશ કમલાકર ગોડસે (ઉં.વ.40) (રહે., ખાલાસી અલી શ્રીરામ મંદિર પાસે, વચેરીગાવ, તા. માલસીરસ, જિ.સોલાપુર), ઓમકાર સુરેશ ગોડસે (ઉં.વ.31) (રહે., રેણુકાનગર, સૈદાપુર, તા. કરાડ, જિ.સાતારા), જગદીશ કમલાકર ગોડસે (રહે., ખાલાસી અલી શ્રીરામ મંદિર પાસે, વચેરીગાવ, તા. માલસીરસ, જિ.સોલાપુર) અને નિલેશ ભીમરાવ મોરે (ઉં.વ.26) (રહે., અમરાપુર, તા.કડેગાંવ, જિ.સાંગલી, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.