પરિવારથી વંચિત બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ આપણી વિશેષ જવાબદારી છે : કલેકટર હાલાણી
ચિલ્ડ્રન હોમ વ્યારા ખાતે કલેકટર આર.જે. હાલાણીની અદયક્ષતામાં બાળ અધિકાર દિનની ઉજવણી કરાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી કલેક્ટર અને જીલ્લા બાળ સુરક્ષા એકમના ચેરમેન આર.જે.હાલાણીની અદયક્ષતામાં ચિલ્ડ્રન હોમ તાડકુવા, વ્યારા ખાતે આજે આંતરાષ્ટ્રિય બાળ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતા કલેક્ટર હાલાણીએ જણાવ્યું હતુ કે, તા. ૧૪મી નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ અને ૨૦મી નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ બાળકોની ઉચિત સાર સંભાળ, બાળ અધિકારો અને તેના રક્ષણ માટેની પારિવારિક અને સામાજિક જાગૃત્તિ કેળવવાનો છે. તેમાંય પરિવારથી વંચિત બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ આપણી વિશેષ જવાબદારી છે. બાળ સુરક્ષાની શરૂઆત પોતાના ઘરથી થવી જોઈએ. બાળકોને ઘરમાં સુરક્ષા અને હૂંફ મળે ત્યારે જ સમાજમાં સુરક્ષા અને હૂંફની તે અપેક્ષા રાખી શકશે અને ત્યારે જ બાળકો પ્રત્યે કાળજી સભર અને સુરક્ષિત આત્મીય સામાજિક વાતાવરણનું નિર્માણ કરી શકાશે.
વધુમાં રાજય સરકારે જિલ્લા સ્તરે બાળ સુરક્ષા કેન્દ્રોની શરૂઆત કરી તેની અગત્યતા જોઈને જિલ્લા કલેકટરોને એની જવાબદારી સોંપી જુદાજુદા પ્રકારેથી વંચિત બાળકોની યોગ્ય સાર સંભાળ લઈ શકાય એ માટે બાળ સંભાળ ગૃહોની સ્થાપના કરી આવા બાળકોને સુરક્ષા,સુવિધા અને હૂંફ પુરી પાડવામાં આવે છે. તેમ જણાવી કલેક્ટર હાલાણીએ ઉપસ્થિત સૌને બાળકોના હક્ક અને અધિકારોથી વાકેફ બની જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાની અપીલ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે દાતાઓનું સન્માન અને ગૃહના બાળકોને મા વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, મા વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી દસ્તાવેજોમાં પ્રમુખ એવો આવકના દાખલા બાબતે ઝીરો આવક બતાવી મા વાત્સલ્ય કાર્ડ કઢાવવાની દિશામાં સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ પહેલ વ્યારા બાળ સુરક્ષા એકમે કરી હતી. ત્યારબાદ કલેક્ટર સહિત મહાનુભાવોએ મુલાકાત લઈ સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિર્મલ ચૌધરીએ બાળ સુરક્ષા એકમમાં બાળકો માટે ઉપલબ્ધ શિક્ષણ,વિવિધ પ્રકારની તાલીમો, આરોગ્ય સંભાળ અને સુરક્ષા સહિતની વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી સુવિધાઓની જાણકારી આપી હતી. વ્યારા ખાતે પરિવાર અને સમાજના સધિયારાથી વંચિત ૩૦ બાળકો ઘરનો અભાવ ના અનુભવે, સુરક્ષિત રહે, ભણે અને યોગ્ય ઉછેર દ્વારા સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા સક્ષમ બને એ પ્રકારની સમુચિત કાળજી લેવામાં આવી રહી છે. આ પ્રસંગે બાળ સુરક્ષા સમિતીના અદયક્ષ બીપીન ચૌધરી અને વ્યારાના નામાંકિત એડવોકેટ કુલિન પ્રધાને પ્રેરક ઉદબોધન કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, સગા મા-બાપની ખોટ કોઈના પૂરી શકે પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા બાળ સુરક્ષા એકમો હૂંફ અને આશ્રયથી વંચિત બાળકોને વાલીની જેમ સારસંભાળ લઈને તેઓના જીવનને ઉન્નતિની દિશા આપી રહ્યા છે એની નોંધ આંતરરાષ્ટ્રીય બાળ સુરક્ષા દિવસે અવશ્ય લેવી પડે.
આ પ્રસંગે નાયબ જિલ્લા પોલિસ વડા સંજય રાય, સહાયક માહિતી નિયામક આર.આર.તડવી, દાતાઓ, સંસ્થાના કર્મચારીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.