તાપી જિલ્લામાં ચુંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૪: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ રાજકીય પક્ષો કે ઉમેદવારો માટે ચુંટણી પ્રચારને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જે મુજબ મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન જાહેર સભાઓ તેમજ ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ તેમજ પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચુંટણી પ્રચારકો વગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય, તેઓએ ચુંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે. પરંતુ પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે, મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચુંટણી પ્રચાર માટે ઘરે-ઘરે મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.