વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન વહેલી તકે ચાલુ કરાવવા ડાંગ ભાજપના આગેવાનોની રજુઆત
વલસાડ સબડીબિઝનના એરિયા મેનેજરને રૂબરૂ મળી લોકોને પડતી હાલાકી દૂર કરવા અરજ કરી.
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેન જે ખોટ કરતી હતી તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ત્યાર બાદ રેલ મંત્રાલય દ્વારા વઘઇ બીલીમોરા ટ્રેન ચાલુ રાખવાની જાહેરાત કરાતા નવસારી અને ડાંગ જિલ્લામાં લોકોની નારાજગી દૂર થઈ હતી. પરતું આ જાહેરાત બાદ આઠ મહિના થવા છતાં ટ્રેન ચાલુ થઈ નથી જેને લઈને ડાંગના આગેવાનોએ વલસાડ ખાતે સબડીવીઝન ના એરિયા મેનેજર ની મુલાકાત લઈ આ ટ્રેન સત્વરે ચાલુ કરી લોકોને ઉપયોગના આવે તેવી રજુઆત કરી છે.
નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિત રાજ્યની કુલ ૧૧ ખોટ કરતી નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો હતો. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતની 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાના નિર્ણય માં વઘઇ બીલીમોરા વચ્ચે ચાલતી આદિવાસીઓ માટેની ઐતિહાસિક ટ્રેન પણ બંધ થઇ જવાની વાતને લઈને ડાંગના વેપારી મંડળ અને સ્થાનિક નેતાઓએ નારાજગી જાહેર કરી હતી અને આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. સાથે ડાંગ અને નવસારી જિલ્લાના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ માટે આંદોલન કરવા ની પણ તૈયારી બતાવી હતી. જેને જોતા ભારતીય રેલ મંત્રાલય ના નાણાકીય નિગમ ના સલાહકાર દ્વારા યોગ્ય તપાસ કરી આ નિર્ણય ઉપર વિચાર કરી સર્વે કરાવ્યા બાદ, જાહેર કરેલ 11 ટ્રેન પૈકી
(૧)બીલીમોરા-વઘઈ (૨) ચાંદોદ – માલસર અને (3) કોરડા- મોટીકોરલ રૂટ ની ટ્રેન ને બંધ કરવાનો નિર્ણય પાછો લીધો હતો. જોકે ટ્રેન બંધ નહિ થાય એવી જાહેરાત કર્યા ને આઠ મહિના થવા છતાં આ ટ્રેન ચાલુ થઈ નથી. આ અંગે રેલ વિભાગના અધિકારીઓ અનેક વાર ટ્રાયલ પણ કરી ચુક્યા છે અને અવારનવાર ટૂંક સમય માં વઘઇ બીલીમોરા ટ્રેન કાર્યરત થશે તેવી હૈયા ધરપત આપતા રહ્યા છે. પરંતુ આજ દિન સુધી ટ્રેન ચાલુ થઈ નથી જેના કારણે વર્ષો થી આ ટ્રેન નો ઉપયોગ કરતા ડાંગ નવસારીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોને પડતી હાલાકી ને જોતા ડાંગ ભાજપના આગેવાનો ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગલભાઈ ગાવીત, મહામંત્રી રાજેશભાઇ ગામીત, વેપારી મંડળના આગેવાન બીપીનભાઈ રાજપૂત અને રોહિત ભાઈ વલસાડ સબ ડિવિઝનના એરિયા મેનેજરને મળી ને આ ટ્રેન વહેલી તકે શરૂ થાય અને લોકો એનો ઉઓયોગ કરી રાહત અનુભવે તેવી રજુઆત કરી હતી. એરિયા મનેજર અનું ત્યાગી એ આગેવાનોની રજુઆત સાંભળી અને આ મામલે દિલ્હી ખાતે રજુઆત કરી નજીકના ટૂંક સમયમાં બીલીમોરા વઘઇ વચ્ચે રેલવ્યવહાર ચાલુ થશે એવું જણાવ્યું હતું.