મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
વિવિધ બેંકોના મેનેજર સાથે યોજનાકિય બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
…………
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦9- કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓના ઝડપી વિકાસ માટે પ્રતિવર્ષ લાખો રૂપિયાની જોગવાઇ કરી મહિલા કલ્યાણની અનેકવિધ યોજનાઓ અલમમાં મુકવામાં આવી છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
તાપી જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના સઘન અમલીકરણ અંતર્ગત યોજનાકિય સમીક્ષા માટે તાજેતરમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં ડી.ડી.ઓ ડૉ.દિનેશ કાપડિયાની અધ્યક્ષતામાં વિવિધ બેંક મેનેજરો સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં યોજનાની ઓનલાઇન ડેટા એન્ટ્રી, બેંક વાઇઝ સબમીટ કરેલ લોન અરજીઓ, મંજુર કરવામાં આવેલ અરજીઓ અને મંજુર થયેલ જુથોને મળવાપાત્ર લોન સહાય બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં શ્રી કાપડિયાએ મહિલા ઉત્કર્ષની કલ્યાણકારી યોજનાઓનો ખ્યાલ આપી, જિલ્લાની ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગની નારીશક્તિના કૌશલ્યને નવી દિશા આપી પગભર બનાવવા માટે સહકાર આપવા તમામ બેંકો તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચાનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જોઇન્ટ અર્નીંગ અને સેવિંગ જુથો બનાવી બેન્કો અને ધિરાણ સંસ્થાઓ મારફત રૂ.૧ લાખનું ધિરાણ આપી લોનના માધ્યમથી સ્વરોજગારી અને આજીવિકા પુરી પાડવાનો ઉદ્દેશ્ય છે.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, જિલ્લા લાઇવલીહુડ મેનેજર પંકજ પાટીદાર, તમામ સ્થાનિક બેંકોના મેનેજરો/પ્રતિનિધિઓ, તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંબંધિત અધિકારીએ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦૦