ચિલ્ડ્રન હોમ આહવા ખાતે બાળદિનની ઉજવણી
દાતાઓએ સંસ્થાને ફ્રીઝ તેમજ બાળકોને ટી શર્ટ અર્પણ કર્યા
(અર્જુન જાધવ દ્વારા , વઘઇ) :ડાંગ જિલ્લા માં આવેલ સરકારી સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આહવા ખાતે જે જે એક્ટ ૨૦૧૫ હેઠળ કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા કુલ- ૩૮ બાળકોને આશ્રય હેઠળ રાખવામાં આવેલ છે. આ સંસ્થા ખાતે તા.૧૪/૧૧/૨૦૧૯ ના રોજ ભારત દેશના સૌ પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જયંતિ નિમિત્તે બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને ઉપસ્થિત મહાનુભાવોએ નેહરૂચાચાના જીવન ચરિત્ર તેમજ દેશ પ્રત્યેની નિષ્ઠા,પ્રેમ અને દેશ માટે આપેલ ત્યાગની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
બાળદિન નિમિત્તે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બાળકોને કેરમ,ચેસ,વોલીબોલની રમતો રમાડવામાં આવી હતી. આ સંસ્થામાં દાતાઓ ડી.જી.વી.સી.એલ.માંથી મેહુલભાઈ, આસીસ્ટન્ટ એન્જીનીયર સતિષભાઇ ચૌધરી તથા મયુરભાઇ દ્વારા બાળકોને ટી-શર્ટ વિતરણ કરાયા હતા તેમજ યુનિટી ગૃપ આહવા દ્વારા બાળકોના ઉપયોગ માટે રેફ્રિજરેટર સંસ્થાને દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાકીય સંભાળ અધિકારીશ્રી, સંસ્થાના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.