સોનગઢ તાલુકા આરોગ્ય કચેરી ખાતે યોજાયો ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ કેમ્પ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત શનિવાર તા.૧૬/૧૧/૧૯ના રોજ સોનગઢ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ક્લેફ્ટ લીપ/ક્લેફ્ટ પેલેટ (કપાયેલ હોઠ અને તાળવું) નો સારવાર અને સલાહ કેમ્પ યોજાયો હતો. કે.પી.સંઘવી હોસ્પિટલ સુરત દ્વારા કપાયેલ હોઠ તથા ફાટેલા તાળવાના ઓપરેશન વિના મુલ્યે કરવામાં આવે છે. ત્યાંના નિષ્ણાંત ડૉ.ભરતભાઈ, ડૉ.પૂજાબેન અને ડૉ.દેવિકાબેન મારફતે તાપી જિલ્લા આરોગ્ય કચેરીના સહયોગથી આ કેમ્પનું સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકાના ૧૫ જેટલા ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ વાળા બાળકોનું મફતમાં ચેક અપ અને ૬ બાળકો ને આગળ ઓપરેશનની તારીખ આપી હતી. તેઓના ઓપેરશન શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) અંતર્ગત મફતમાં કરી આપવામાં આવશે.
તાપી જીલ્લાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) ની તમામ ટીમો દ્વારા આ બાળકોને આ કેમ્પમાં ભાગ લેવા માહિતગાર કર્યા તથા પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી હતી અને શાળા આરોગ્ય નિરિક્ષક શ્રી. રાજુભાઈ શેઠ અને સોનગઢ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી.ડૉ.દીપકભાઈ ચૌધરીનો આ કેમ્પ સફળ થાય એ માટે સંપુર્ણ સહયોગ મળ્યો હતો.