માંગરોળ પોલીસની પ્રશંસનીય કામગીરી : લવેટ ગામની ગુમ થયેલી પરિણીતા અને તેની પુત્રીને માંગરોળ પોલીસ યુ.પી.ના બુલંદ શહેરમાંથી શોધી લાવી
ફોન દ્વારા યુ.પી.ના ઈસમે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના લવેટ ગામની ગુમ થયેલી પરિણીતા અને તેની પુત્રીને માંગરોળપોલીસે યુ.પી.ના બુલંદશહર જિલ્લા માંથી શોધી લાવી પ્રસંશનીય કામગીરી કરી હતી.
પોલીસે પરિણીતા અને તેની ત્રણ વર્ષીય પુત્રીને પતિ અને પરિવારજનોને સાથે મિલાપ કરાવતા પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો.
તારીખ ૨૯/૦૩/૨૦૨૧ના રોજ લવેટ ગામના ગોડાઉન ફળિયામાં રહેતી કૈલાસબેન તેજાભાઈ ચરમટા (ઉં.વ.૨૭) વાંકલ ગામે દવાખાને જાઉં છું તેવું કહી પુત્રી આકસા સાથે ગઈ હતી.ત્યારબાદ કૈલાસબેન પરત ઘરે નહી આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ પરિણીતાનો કોઈ પત્તો નહીં મળતા આખરે કૈલાસબેનના પતિ તેજાભાઈ ચરમટાએ માંગરોળ પોલીસમાં પત્ની અને પુત્રી ગુમ થયા જાણવા જોગ ફરિયાદ આપી હતી.ત્યારબાદ ગુમ થયેલી કૈલાસબેને પોતાના પતિ તેજાભાઈને ફોન દ્વારા જણાવ્યું કે એક ઈસમ મને ફસાવીને લઈ ગયો છે અને મારે પરત ઘરે આવું છે તેવું જણાવ્યું હતું અને પોતે હાલ કયા સ્થળે છે તે પણ પરણિતાને ખબર નહીં હતી.બીજી તરફ સુરત જિલ્લા વડા ઉષા રાડા અને નાયબ પોલીસ વડા સી.એમ. જાડેજા દ્વારા જિલ્લામાં ગુમ થયેલા સ્ત્રી-પુરુષ બાળકોને સુધી કાઢવાની સૂચનાઓ પોલીસને મળી હતી.માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી દ્વારા લવેટ ગામની પરિણીતા અને તેની પુત્રી ગુમ થયા અંગે જાણવા જોગ ફરિયાદ અનુસંધાનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં પરિણીતા દ્વારા તેમના પતિ ઉપર ફોન કરાયો હતો તેના લોકેશનના આધારે પોલીસને પરિણીતા બુલંદ શહર જિલ્લામાં હોવાની ખબર પડતાં આ દિશામાં તપાસ માટેનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ માંગરોળ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ બાબાભાઈ,પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ,વુમન પોલીસ કોન્સ્ટેબલ કલ્પનાબેન દિનેશભાઈ વગેરેની ટીમ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યુ.પીના બુલંદશહર જિલ્લાના ખુરજાનગર ખાતે પહોંચી હતી.ફોન લોકેશનના આધારે પરિણીતા કૈલાસબેન અને પુત્રી આકશા બંને મળી આવતા ગુમ થનાર બંને વ્યક્તિનો કબજો પોલીસે લીધો હતો અને આખરે માંગરોળ પોલીસે ગુમ થયેલ પરણિતા અને તેની પુત્રી બંનેને પતિ અને પરિવારજનોને સોંપતા પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો.