કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને રીલાયન્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં રોગપ્રતિકારક શકિત વધારતા ખાદ્યપદાર્થો અને કોવિડ -૧૯ રસીકરણ જાગૃતિવિષય ઉપર ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી , વ્યારા , જિ . તાપી અને રીલાયન્સ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા . ૦૨ / ૦૬ / ૨૦૨૧ ના રોજ ડાયલ આઉટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં તાપી જિલ્લાના વિવિધ ૭૬ ગામોની કુલ ૧૮૨ આદિવાસી મહિલાઓને ટેલીફોની મોબાઈલ દ્વારા માહિતી આપવામાં આવી હતી . કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘ કોરોના વાયરસ રોગથી બચવા માટે શરીરની રોગપ્રતિકારક શકિત વધે તેવા ખાદ્યપદાર્થો અને કોવિડ- ૧૯ રસીકરણ વિષે આદિવાસી સમાજમાં જાગૃતતા ’ લાવવાનો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ . સી . કે . ટીંબડીયાએ કોન્ફરન્સમાં ઉપસ્થિત મહિલાઓને કોવિડ- ૧૯ ની પરિસ્થિતિમાં આરોગ્ય પ્રત્યે સભાન રહે તથા કેવીકે , વ્યારાના માધ્યમથી જે ટેકનીકલ માર્ગદર્શન મળે તેનો ચોક્કસપણે અમલ કરે તેમ જણાવ્યું હતું . વધુમાં તેમણે કોવિડ- ૧૯ રસીકરણનાં મહત્વ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી દરેકને ફરજિયાત રસી મુકાવવા માટે વિશેષ ભાર મુક્યો હતો . કેવીકે , વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ . સી.ડી. પંડયાએ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કર્યું હતું . તેમણે કોરોના વાયરસની મહામારીમાં રસીકરણ જાગૃતિ વિશે સમજ આપી દરેક મહિલાઓને કોરોના વાયરસનું સંક્રમણ વધે નહિ તે માટે લેવાની કાળજી વિષે માહિતગાર કર્યા હતાં.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના પ્રો . આરતી . એન . સોનીએ કોરોના વાયરસની મહામારીમાં શરીરની રોગપ્રતિકારક શકિત વધે તેવા વિવિધ ખાદ્યપદાર્થો , ઔષધિઓ , પ્રોટીન- લોહતત્ત્વયુક્ત ખાદ્યપદાર્થો વિશે વિસ્તૃતમાં ટેકનીકલ માહિતી આપી હતી . ઉપરાંત , આહારમાં તેનો કેવી રીતે ઉપયોગ કરવો તથા વ્યકિતમાં કોરોના વાયરસનું સંક્રમણ ના થાય તે માટે રોજબરોજ લેવાની કાળજી જેમકે , ફરજીયાત માસ્ક પહેરવો , બે ગજનું અંતર રાખો , સવારે સૂર્યનો કૂણો તડકો લો , યોગ – પ્રાણાયામ કરો , બીડી , સીગારેટી ગુટખા જેવા વ્યસનથી દૂર રહો , ખૂબ પાણી પીઓ , વિગેરે વિશે માર્ગદર્શન પૂરું પાડયું હતું . કાર્યક્રમમાં છેલ્લે પ્રશ્નોતરી પણ રાખવામાં આવી હતી . રીલાયન્સ ફાઉન્ડેશન ટ્રસ્ટના શ્રી પરેશભાઈ અને અવનીબેનએ સુંદર આયોજન થકી કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું . કાર્યક્રમનાં અંતે , કેવીકે , વ્યારાના ગૃહવૈજ્ઞાનિક પ્રો . આરતી . એન . સોનીએ આભારવિધિ કરી હતી .