તાપી જિલ્લામાં નાગરિકો તરફથી મળ્યો સારો પ્રતિસાદ: ૧૧૧૫૮૧ લોકોએ વેક્સિનનો ડોઝ લઈ પોતાને સુરક્ષિત કર્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.૧૦: કોરોના મહામારીને કારણે જે સાંપ્રત પરિસ્થિતિ ઉભી થઈ છે તે સમગ્ર દેશના નાગરિકો માટે ચિંતાનો વિષય છે. દેશવિદેશના તજજ્ઞો પણ કોવિડ-19 મહામારીને નાથવા ચર્ચા વિચારણા કરી રહ્યા છે. તાપી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં 50 થી ઓછા કેસો નોંધાયા છે જે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે. જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે વેક્સિનેશન પર જ વધુ ભાર મુકવામાં આવ્યો છે તથા કોરોનાથી બચવા તંત્ર તરફથી સમયાંતરે પ્રજાજનોને સાવચેતીના પગલે દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.
વેક્સિનેશન અંગે પણ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો વેક્સિન મુકાવવા માટે સામે આવી રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલના જણાવ્યા મુજબ આજ દિન સુધી ૧૧૧૫૮૧ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. વ્યારામાં ૨૭૭૪૦, ડોલવણમાં ૧૩૯૦૬, વાલોડમાં ૧૪૭૭૫, સોનગઢમાં ૩૦૮૬૨, ઉચ્છલમાં ૧૦૫૨૧, નિઝરમાં ૮૭૨૦ અને કુકરમુંડામાં ૫૦૫૭ જેટલા લોકોને વેક્સિનેશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.