સોનગઢના બેડીમાં 2.40 લાખનું રેશનિંગનું અનાજ સગેવગે કરનારા દુકાનદાર સામે પોલીસમાં ફરિયાદ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સોનગઢ તાલુકાના બેડી ગામે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈસમ સામે સ્થાનિક ગ્રાહકોએ ફરિયાદ કરતા તપાસ થઇ હતી. આ તપાસમાં ગેરરીતિ બહાર આવતા તેની સામે સોનગઢના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સોનગઢ તાલુકાના બેડી ગામે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતા કાલીદાસ મોચડાભાઈ ગામીતે પોતાની દુકાનના કાર્યવિસ્તારમાં રહેતા કાર્ડ ધારકોને સરકારે ઠેરવેલ પ્રમાણ મુજબ અનાજ અને અન્ય ચીજવસ્તુઓ નહીં આપતા ગત દિવાળી સમયે ગ્રાહકોએ ફરિયાદ કરી હતી .
આ અંગે ફરિયાદ મળતા જિલ્લા કલેકટર તાપીની સૂચના મુજબ જિલ્લા પુરવઠા અધિકારી અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ દ્વારા બેડી ગામના કાર્ડધારકોના જવાબો લેવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી . તપાસના અંતે કાલીદાસભાઈએ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની ચીજવસ્તુઓની બિનઅધિકૃત રીતે અંગત લાભ માટે નફાખોરી અને કાળાબજારની પ્રવૃત્તિ કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમણે સરકારી અનાજનો કુલ 2,40,315ના જથ્થાની વટઘટ કરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગુનો કર્યો હતો. આ સંદર્ભે સોનગઢ મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.