સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોનો શિક્ષણયજ્ઞ કોરોના વચ્ચે બાળહિત કાજે સતત પ્રજવલિત
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કવોરોન્ટાઈન, આઇસોલેશન, રેપિડ ટેસ્ટ, RT-PCR રિપોર્ટ, રેમડેેસિવિર ઇન્જેક્શન, નેગેટિવ – પોઝિટિવ, લોકડાઉન, કરફયૂ જેવાં પારિભાષિક શબ્દોથી તદ્દન અજાણ એવાં નિર્દોષ બાળકોની આંખો વાંચી તેમને કોઈપણ પ્રકારે શિક્ષણ પૂરૂ પાડવા તમામ શિક્ષકો લોકડાઉનથી આજપર્યંત સક્રિય છે. આટલું જ નહિ તેઓ સરકારી આદેશ અનુસારની દરેક કામગીરી પોતાના જોખમે માનભેર સ્વીકારી સુપેરે પાર પાડી રહ્યા છે, જે સરાહનીય કામગીરી સમાજે નોંધવા જેવી બાબત છે. – ડૉ. દિપકભાઈ દરજી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સુરત)
કોરોનાનો નવો વેરિયન્ટ હાલ માઝા મૂકી રહ્યો છે. ગત વર્ષે દેશભરમાં કોરોનાનો આતંક છવાયો અને એ સાથે જ માર્ચ-2020 માં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. લોકડાઉન ખુલ્યા બાદ થોડા સમયમાં શાળાઓ ચાલુ થઈ ને ફરી વખત બંધ થઈ ગઈ છે. ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશનની વાત છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિ કેટલો સમય રહેશે તેનું ભવિષ્ય કોઈ ભાખી શકવાનું નથી. પરંતુ એકબાજુ બાળકોને શિક્ષણ મળી રહે તે પણ જરૂરી બાબત છે.
કોરોના કાળ વચ્ચે શાળાઓ બંધ છે જે અંતર્ગત બાળકોનું શિક્ષણ ન કથળે એ માટે સદા ચિંતિત શિક્ષણ વિભાગનાં આદેશ અનુસાર સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયા સતત ચાલુ છે, પણ સાથે કમનસીબી એ પણ છે કે જિલ્લાનાં વનવિસ્તાર અને દરિયાકાંઠા વિસ્તાર જેવી ભૌગોલિકતામાં વસેલા ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણના મામલે મોબાઇલ નેટવર્ક એક મોટી સમસ્યા છે. વળી આર્થિક રીતે પછાત વાલીઓ પાસે પોતાનાં બાળકો માટે ઓનલાઈન કે અન્ય માધ્યમથી શિક્ષણ મેળવવાની પાયાની સુવિધાઓ નથી.
‘બાલ દેવો ભવ:’ નો મંત્ર આત્મસાત કરનારા જિલ્લાનાં શિક્ષકો અનેકવિધ વિટંબણાઓ વચ્ચે પણ બાળકોને પ્રત્યક્ષ કે પરોક્ષ શિક્ષણ પૂરૂ પાડવા સતત ચિંતિત રહ્યા છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી જણાવે છે કે શિક્ષકો કોરોના માર્ગદર્શિકાનાં ચુસ્ત પાલન સાથે બાળકોનાં ઘરે રૂબરૂ જઈ એકમ કસોટી પ્રશ્નપત્રો, ‘ઘરે શીખીએ’ પ્રવૃત્તિ પુસ્તકો કે અન્ય લર્નિંગ મટીરીયલ્સની આપ-લે તો કરે જ છે પણ સાથોસાથ મોબાઈલ કે ટી.વી. ન ધરાવતા બાળકોને રૂબરૂ અભ્યાસિક માર્ગદર્શન આપવાનું જે યજ્ઞકાર્ય કરે છે તે પ્રશંશનીય બાબત છે. એમ જિલ્લા સંઘનાં પ્રચાર – પ્રસારમંત્રી વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.