માંગરોળના લવેટ -ભડકુવા ગામે લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી બિનઉપયોગી
– કોરોનાનાં કપરા કાળ વચ્ચે લોકોને પીવાનાં અને ઘરવપરાશનાં પાણી માટે મુશ્કેલી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : એક તરફ કોરોનાએ કહેર મચાવ્યો છે તો બીજી તરફ ઉનાળાની કપરી ગરમીમાં ગામોમાં પીવાનું તેમજ ઘર વપરાશનું પાણી ઉપલબ્ધ કરાવવાની કામગીરી ગ્રામપંચાયત અને સરપંચ માટે પોખળ સાબિત થઈ રહી છે. માંગરોળ તાલુકાના લવેટ અને ભડકુવા ગામે સરકારી ગ્રાંટમાંથી લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે.આ ટાંકી દ્વારા આખા ગામને પાણી પૂરું પાડી શકાય એમ છે પરંતુ હાલ ટાંકીમાં એક પણ પાણીનું ટીપું નથી. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ટાંકીનો મતલબ શું જ્યારે તે તદ્દન બિનઉપયોગી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.શું ગ્રામપંચાયત દ્વારા આ બાબત ધ્યાને નથી લેવાતી કે પછી ગામનાં સરપંચ આ સમસ્યા અંગે રસ નથી દાખવતા ? ત્યારે પાણીની સમસ્યા અંગે ગ્રામપંચાયતની કામગીરી પણ તદ્દન નિષ્ફળ સાબિત થઈ રહી છે.શું તંત્ર અને જવાબદાર સત્તાધીશો દ્વારા આ અંગે ધ્યાન આપવામાં આવે છે કે કેમ ? કે પછી આગળ પણ લોકોએ આવી રીતે જ સમસ્યાનો સામનો કરવો પડશે ?