ઓલપાડ ખાતે કાર્યરત કોરોના વૉર રૂમ તેમજ કોલ સેન્ટરની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દીપકભાઈ દરજીએ સમીક્ષા મુલાકાત લીધી
કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુશ્કેલીઓ નિવારણના હેતુસર કાર્યરત છે આ વૉર રૂમ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): સમગ્ર રાજય સહિત કોરોનાનો કહેર શહેરોને પાછળ મૂકી ગામડાઓમાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર ખડેપગે રાત-દિવસ એક કરી રહ્યું છે. જેના અનુસંધાને ઓલપાડ તાલુકામાં પ્રવર્તી રહેલ નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ઓલપાડ નગરમાં તાલુકા પંચાયત ભવન ખાતે વિશેષ ‘કોવિડ-૧૯’ વૉર રૂમ તથા કોલ સેન્ટરની શરૂઆત તાજેતરમાં કરવામાં આવેલ છે.
ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલના સંચાલન અને નિયંત્રણ હેઠળ કાર્યરત આ વૉર રૂમની કામગીરી સવારે ૭:૩૦ થી ૧:૩૦ અને બપોરે ૧:૩૦ થી ૭:૩૦ એમ બે પાળીમાં કુલ ૩૦ જેટલા શિક્ષક ભાઈ-બહેનોના હકારાત્મક સહયોગથી સુપેરે ચાલી રહી છે.
ગતરોજ આ વૉર રૂમની મુલાકાત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપકભાઈ દરજીએ લઈ કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. વૉર રૂમના ડેટા ઓપરેટર રવિન્દ્ર પટેલ (ટકારમા પ્રાથમિક શાળા) તથા જયેશ પટેલ (કોબા પ્રાથમિક શાળા) એ કામગીરીની માહિતી પૂરી પાડી તેના આજદિન સુધીના રિપોર્ટ રજૂ કર્યા હતાં. આ પ્રસંગે ડૉ. દિપકભાઈ દરજીએ દરેક શિક્ષકોની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ મહામારીને નાથવા આપ સર્વેનું નિષ્ઠાપૂર્વકનું નાનુ સરખું કામ સંક્રમિત વ્યક્તિને ઇમ્યુનિટી પૂરી પાડવા જેટલું મહત્વનું છે. આપણે ભગવાનને ઓળખીને કામ કરીશું તો આવનારા દિવસોમાં ચોક્કસપણે ઓલપાડ તાલુકા સહિત દેશભરમાંથી કોરોના નેસ્તનાબૂદ થશે એવો મને આશાવાદ છે. તેમણે સવારથી સાંજ સુધી ખડેપગે રહેતા વૉર રૂમના સંચાલક કિરીટભાઈ પટેલ તથા તેમની ખંતીલી ટીમને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.