તાપી જિલ્લામાં ૯૨ હજારથી વધુ નાગરીકોને કોરોના પ્રતિરોધક આપવામાં આવી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.19: કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાત રાજ્ય સંપડાયું છે ત્યારે તાપી જિલ્લાના નાગરીકોને આ મહામારીથી બચાવવા રસીકરણ અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે. આ કામગીરીમાં હાલ જિલ્લાના ૪૫ થી ૬૦ વર્ષની વયના તથા ૬૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલે આપેલ વિગતો મુજબ આજ દિન સુધી ૯૨૯૩૮ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૩૦૨૧, ડોલવણમાં ૧૧૩૬૪, સોનગઢમાં ૨૫૦૯૬, વાલોડમાં ૧૩૩૬૧, ઉચ્છલમાં ૮૨૦૪, નિઝરમાં ૭૫૨૧, કુકરમુંડામાં ૪૩૭૧, સહિત કુલ-૯૨૯૩૮ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ રસી સુરક્ષિત છે અને કોઇ પણ ડર વિના રસી લેવી જરૂરી છે. કોરોના સામેની લડાઇમાં મક્ક્મતાથી લડી રહેલી ગુજરાત સરકારને તાપી જિલ્લાના નાગરિકો દ્વારા સારો સહિયોગ મળી રહ્યો છે. રસિકરણની સાથે-સાથે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળ્વવું, તથા આરોગ્યવર્ધક ઉકાળનું સેવન કરવું પણ સમાન મહત્વ ધરાવે છે જેની તમામ નાગરિકોએ નોંધ લેવી જરૂરી છે.
૦૦૦૦૦