રાજ્ય સરકારે સુરત શહેર માટે ૩૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦૦ રેમડિસીવીર ઈન્જેકશનની ફાળવણી કરી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા માંગરોળ) : શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં ૩૦૦૦ રેમેડિસીવીર ડોઝ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦૦ રેમડિસીવીર ડોઝની ખાસ કિસ્સામાં ફાળવણી કરી છે એમ જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલે જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, રેમડિસીવીર ઈન્જેક્શન મેળવવા સંબધિત હોસ્પિટલ દ્વારા કલેકટર કચેરીને નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા દરેક દર્દી દીઠ એક ઈન્જેક્શન આપવામાં આવશે. આ સાથે દરેક દર્દીના RTPCR રિપોર્ટ, આધાર કાર્ડ અને દરેક દર્દીનું પ્રિસ્ક્રીપ્શન સામેલ કરવું અનિવાર્ય રહેશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વ્યવસ્થા હેઠળ હોસ્પિટલના અધિકૃત વ્યક્તિએ જ ઓથોરાઈઝેશન લેટર અને ઉપરોક્ત દસ્તાવેજો લઈને નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં આવવાનું રહેશે. સુરત શહેર માટેની વ્યવસ્થા કલેકટર કચેરીના કર્મચારીઓની દેખરેખમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી છે. તેમજ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોને રેમડિસીવર ઈન્જેકશનના વિતરણ માટેની વ્યવસ્થા બારડોલી પ્રાંત અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.