ઉંચામાળા ખાતે અણુ ઉર્જા વિભાગ-ટેક્નોલૉજી ઇંક્યુબેટર પ્રોજેકટ હેઠળ સ્થાપિત આકૃતિ (AKRUTI=Advanced Knowledge Based RUrban Technology Incubator) કેન્દ્રનું ઉદ્ઘાટન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ભારત સરકારના અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ અને અણુ ઉર્જા વિભાગના સચિવ શ્રી કે.એન. વ્યાસના શુભ હસ્તે તેમજ એનપીસીઆઇએલના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક શ્રી એસ.કે. શર્મા અને બીએઆરસીના ડાયરેક્ટર ડો. એ.કે. મોહંતીની ઉપસ્થિતિમાં તારીખ 26/03/2021 ના રોજ કાકરાપાર અણુવિદ્યુત મથકની પર્યાવરણીય સર્વેક્ષણ પ્રયોગશાળા ખાતે વિકસિત આકૃતિ કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાકરાપાર અણુ વિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટરશ્રી એમ. વેંકટચલમ, એનપીસીઆઇએલ અને બીએઆરસી મુંબઈથી વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી કે.એન. વ્યાસે આકૃતિ કેન્દ્રનું લોકાર્પણ કરતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને કાકરાપાર અણુવિદ્યુત મથક પરિવારને અભિનંદન આપ્યા હતા. શ્રી કે.એન. વ્યાસે ઉપસ્થિતોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યુ હતું કે ભારત સરકારના અણુ ઉર્જા વિભાગ-ટેક્નોલૉજી ઇંક્યુબેટર પ્રોજેકટ હેઠળ, ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC), ટ્રોમ્બે, મુંબઈ દ્વારા અણુશક્તિના શાંતિપ્રિય ઉપયોગથી વિકસાવવામાં આવેલ વિવિધ સમાજ ઉપયોગી પ્રૌધ્યોગિકીની માહિતી સામાન્યજન સુધી પહોંચે અને તેઓ આ પ્રૌધ્યોગિકીઓ દ્વારા પોતાના અને દેશના વિકાસમાં સહભાગી થાય તેવા ઉમદા હેતુ સાથે વ્યારા તાલુકાનાં ઉંચામાળા ખાતે આવેલ કાકરાપાર અણુવિદ્યુત મથકની બીએઆરસી દ્વારા સંચાલિત પર્યાવરણીય સર્વેક્ષણ પ્રયોગશાળાના પ્રાંગણમાં આકૃતિ કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલ છે. આ માહિતી કેન્દ્રનો મૂળ ઉદ્દેશ ગ્રામ્ય અને કસ્બા વિસ્તારોમાં બીએઆરસી દ્વારા વિકસિત ટેક્નોલૉજી દ્વારા પ્રૌદ્યોગિક-સાહસિકો તૈયાર કરવાનો છે. તેમણે જણાવ્યુ હતું કે ભાભા અણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ તમામ પ્રૌધ્યોગિકીઓ સસ્તી અને ભારતીય પરિપ્રેક્ષ્ય માટે અનુકૂળ હોવાથી વધુ ઉપયોગી સાબિત થયેલ છે અને ઉપરોક્ત તમામ પ્રૌધ્યોગિકીઓનું વ્યાવસાયિક તેમજ વ્યાવહારિક ઉપયોગ માટેના પરીક્ષણ કરવામાં આવેલ છે જે ખૂબ જ સંતોષકારક જણાયેલ છે. વધુમાં શ્રી વ્યાસે ઉપસ્થિત અધિકારીશ્રીઓ, આગેવાનો વગેરેને સંબોધતા જણાવ્યુ હતું કે ભાભા અણુ સંશોધન કેન્દ્ર ઉપરોક્ત માનવસમાજ અને પર્યાવરણ સુરક્ષા માટે ઉપયોગી પ્રણાલીઓની તકનીકી નીપૂણતા પૂરી પાડવા હંમેશા તત્પર છે.

આ આકૃતિ કેન્દ્ર ખાતે વિવિધ સમાજ ઉપયોગી પ્રૌધ્યોગિકીઓ જેવી કે દૂરવર્તી વિસ્તારોમાં ખૂબ જ ઉપયોગી એવી ટેલિ-ઇસીજી પ્રણાલી, સોલર ડ્રાયર, સોલર પંપ, પાણીના શુદ્ધિકરણ માટેની પ્રણાલી, શહેરી/ગ્રામ્ય કચરાનો નિકાલ અને તેમાંથી સેંદ્રિય ખાતર બનાવવાની પ્રણાલી, ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદુષિત પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રણાલી, ખાદ્ય સામગ્રીઓ જેમાં અનાજ, શાક-ભાજી, દરિયાય ખાદ્ય ચીજો વગેરેનું પરિરક્ષણ, અણુશક્તિના ઉપયોગથી જુદા-જુદા અનાજ, તેલીબિયાં અને શાકભાજીની સુધારેલી જાતોના બીજ વગેરેની નમૂનાઓ અને પ્રતિકૃતિઓ સહિતની માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

આકૃતિ કેન્દ્ર(AKRUTI Centre), પર્યાવરણીય સર્વેક્ષણ પ્રયોગશાળા, ઉંચામાળા, તા.વ્યારા, જિ-તાપી ખાતે ઉપરોક્ત તમામ પ્રૌધ્યોગિકીઓ વિશે વધુ માહિતિ મેળવવા અને પ્રત્યક્ષ નિદર્શન માટે રજાના દિવસો સિવાય રૂબરૂ મુલાકાત લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.

આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથક ૧-૨ ના સ્ટેશન ડાયરેક્ટરશ્રી એ.બી. દેશમુખ, કાકરાપાર અણુવિદ્યુત મથક ૩-૪ ના સ્ટેશન ડાયરેક્ટરશ્રી એસ.કે. રોય, પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી રંજય શરણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંપૂર્ણ આયોજન અને સંચાલન ચેરમેન, સીએસઆર શ્રી.નિતિન જે. કેવટ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *