રોડ સેફ્ટી અંગે જાગૃતતા અભિયાન : તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક પાર પડી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેનો એક માત્ર હેતુ યુવાનો, નાગરિકો તથા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો તથા સુરક્ષા બાબતે જાગૃત કરવાનો હતો. જે અંતર્ગત રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ જુદી-જુદી રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓમાં જઈને બાળકોને માહિતી આપવામાં આવી તો કોલેજોના વિદ્યાર્થી તથા યુવાનોને, વધુમાં વાહન ચાલકોને તો ખાસ ટ્રાફિક અંગેના નિયમો, સાઈનબોર્ડ તથા રેડિયમ ટેપનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું.
રોડ સેફ્ટી સપ્તાહનાં અંતિમ ચરણમાં પણ જિલ્લાનાં આર.ટી.ઓ કચેરી તાપી-વ્યારા, પોલીસ તથા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લોકોને માર્ગ સેફ્ટીને લઈને જાગૃત કરવા અંગે જુસ્સો જોવા મળી રહ્યો હતો. અંતિમ ચરણમાં કાર્યક્રમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે યોજાયો હતો. આર.ટી.ઓ કચેરીના અધિકારી ડી.ડી. જરૂ તેમજ ટ્રાફિક પાલીસ વિભાગના અધિકારી તેમજ કોલેજના આચાર્ય અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે જાગૃતતા કેળવાય તે માટે નવા મોટર વાહન અધિનિયમ અને વાહનોનાં દંડને લગતી જોગવાઈઓ તેમજ ડ્રાઈવીંગ લાયસન્સને લગતા નિયમોની માહિતી આપવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં તા.18.01.2021 થી તા.17.02.2021 સુધી માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી આઈ.ટી.આઈ સેન્ટર ઉકાઇ, ઉચ્છલ અને વાલોડ ખાતે, ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે વિદ્યાર્થીઓ તથા રસ્તાઓ પર ઉભા રહીને પણ વાહન ચાલકોને સાઈન બોર્ડ, નિયમો તથા રેડિયમ ટેપ વિશે માહિતગાર કરવામાં આવ્યુ હતું.
રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત અકસ્માત ન સર્જાય, જો અકસ્માત સર્જાય તો શું કરવું, ઘાયલ વ્યક્તિની પ્રાથમિક સારવાર કઈ રીતે કરવી, ત્યાર બાદ શું કરવું તે માટે ફર્સ્ટ એડ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતુ. રોંગ સાઈડ ડ્રાઇવીંગ, ઝડપી ડ્રાઈવીંગ, લાયસન્સ વગર ડ્રાઈવીંગ, ડ્રીંક એન્ડ ડ્રાઈવીંગ, સીટ બેલ્ટ વગર ડ્રાઈવ કરવું તથા વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ પોતે તથા રોડ પણથી પસાર થનાર લોકો માટે કેટલું ભારે પડી શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 00000