ઓલપાડની સીથાણ પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોની બાળકોના હિતમાં અનોખી કામગીરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના મહામારીને પગલે હાલ પ્રાથમિક શાળાઓ બંધ છે. બાળકો ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે. બાળકોના હિતમાં શિક્ષકો વર્ચ્યુઅલ ક્લાસ કે વખતો વખત રૂબરૂ મુલાકાત કરી તેમને શૈક્ષણિક માર્ગદર્શન આપી રહ્યા છે.બીજી તરફ શાળામાં બાળકોની ગેર હાજરીથી હાલ પૂરતું શિક્ષણ કાર્ય ઠપ છે ત્યારે ટૂંક સમયમાં જ ફરી શાળાઓ ધમધમતી થવાના અણસાર મળી રહ્યા છે, જેને પગલે ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સીથાણ પ્રાથમિક શાળાના શિક્ષકો મળેલી નવરાશની પળોનો સદુપયોગ કરી બાળકોની કક્ષા અને વિષયવસ્તુને લગતા ટી.એલ. એમ. બનાવવામાં ઓતપ્રોત થયા છે.આ અંગે સીથાણ ના સી.આર.સી. રાકેશ મહેતાએ જણાવ્યું હતું કે શિક્ષકોનું આ ઉદાહરણરૂપ કાર્ય શાળા શરૂ થયે જરૂર રંગ લાવશે. જેનો સીધો લાભ બાળકોને થશે અને જેનાં વડે તેઓ પુનઃ શિક્ષણના સામાન્ય પ્રવાહમાં જોડાશે. શિક્ષકોની આ કામગીરીને બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.