તાપી : વાહન ચાલકો, યુવાનો બાદ હવે ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે બાળકોને ટ્રાફિક અંગે માહિતગાર કરાયા
ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે તાલીમ અપાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : દેશના યુવાનો, નાગરિકો તથા વાહન ચાલકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ કેળવવા તથા નિયમો વિશે સમજ પૂરી પાડવા ભારત સરકાર અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા દર વર્ષે દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ જુદા-જુદા તબક્કાઓમાં રોડ સેફ્ટી અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના વાલોડ તાલુકાના ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે આર.ટી.ઓ કચેરી તાપીના અધિકારી વી.ડી.ઝાલા તેમજ ટ્રાફિક પોલીસ વિભાગના પીએસઆઈ બી.આર.ચૌધરી તેમજ ગાંધી વિદ્યાપીઠના મંત્રી માધુભાઈ ચૌધરી, બી.એડ કોલેજના આચાર્યા શ્રીમતિ ડો.અંજના ચૌધરી અને બી.આર.એસ કોલેજના આચાર્ય અર્જુનભાઈ ચૌધરી અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા માર્ગ સલામતી અંગે સેમિનાર અને ઇનામ વિતરણનું આયોજન કરાયુ હતું.
ગાંધી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતિ બાબતે જાગૃતતા કેળવાય એ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા, સીટ બેલ્ટ બાંધવા, રોંગ સાઈડ ડ્રાઈવીંગ ન કરવું, ડ્રીંક કરીને ડ્રાઈવ ન કરવું જોઈએ. વધુમાં હેલ્મેટથી લઈને ડ્રાઈવીંગ કઈ રીતે કરવી તથા વિવિધ સાઈન બોર્ડ અંગે વિસ્તૃત સમજ આપી, રોડ સેફ્ટીને લગતા પેમ્પ્લેટ્સની વહેંચણી કરવામાં આવી હતી. વધુમાં નવા મોટર વાહન અધિનિયમ, વાહનોના દંડ તથા ડ્રાઈવિંગ લાયસન્સને લગતા નિયમોની માહિતી આપવામાં આવી હતી. જિલ્લાની વાત કરીએ તો રોડ સેફ્ટીને લઈને સતત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને, યુવાનો, નાગરિકોને તથા વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માહિતી આપી તેનું પાલન કરવા સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લામાં રોડ સેફ્ટી અંગે સતત કાર્યક્રમ યોજવાનો એક માત્ર ઉદેશ્ય એ છે કે યુવાનોને ટ્રાફિક સબંધિત તમામ નિયમોની જાણકારી હોવી, વાહન ચાલકો અને આવન-જાવન કરનારા નાગરિકોને સાઈન બોર્ડ અંગે માહિતી આપવી જેથી જિલ્લામાં અકસ્માત કે ટ્રાફિક સબંધિત ઘટનાઓ નહિવત બને.