ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાક દિનની સાદગીપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના મહામારી વચ્ચે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ૭૨ માં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.દરેક પ્રાથમિક શાળાઓમાં નિર્ધારિત સમયે જે-તે ગામના સરપંચ, ઉપસરપંચ, ગ્રામપંચાયત સભ્ય, એસ.એમ.સી. અધ્યક્ષ, સહકારી આગેવાનો, સામાજિક કાર્યકર્તા, ભૂતપૂર્વ વિદ્યાર્થી અથવા તો ગામની સૌથી વધુ ભણેલ કન્યાઓને હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી.
ધ્વજવંદનના તમામ સ્થળોએ સરકારી ગાઈડ લાઈન્સ મુજબ દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ જાળવી તિરંગાને સલામી અર્પી હતી. ઉજવણીના ભાગરૂપે તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ પંચવટી સોસાયટી, સ્યાદલા ખાતે, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ કુંદિયાણા પ્રાથમિક શાળા ખાતે, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બલકસ પ્રાથમિક શાળા ખાતે, કાર્યવાહક પ્રમુખ મહેશભાઈ પટેલ ઓલપાડબ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે જ્યારે મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પટેલે કરંજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને તિરંગાને ગૌરવભેર સલામી આપી હતી.
રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઉપસ્થિત સૌએ ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારીને નાબૂદ કરવાના સંકલ્પ લીધા હતા. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.