ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર લદાયા પ્રતિબંધ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : લાઉડ સ્પીકરના ઉપયોગથી થતા અવાજ પ્રદૂષણ તથા ઘોંઘાટને કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, અશકત અને બિમાર વ્યક્તિઓ પર થતી વિપરિત અસરને ધ્યાનમાં રાખી તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી. વહોનિયાએ આગામી તા.28મી, ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મુકયો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના 08.00 કલાક પહેલા અને રાતના 10.00 કલાક બાદ કરી શકાશે નહિ. વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સંબંધિત વિસ્તારની સલામતિ વ્યવસ્થાની સ્થિતિ અને હવામાનની સ્થિતિ તહેવારો, ઋતુ, પરીક્ષાનો સમયગાળો વગેરે જેવી સુસંગત વિચારણાને આધિન રહેશે. ચૂંટણી પ્રચારના કામે વાહન પર લગાડેલા લાઉડ સ્પીકરનો ઉાયોગ સવારના 08.00 કલાક પહેલા અને રાતના 10.00 કલાક પછી કરવો નહિં. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાય કોઇ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિં. તદ્ઉપરાંત લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનું રહેશે. સક્ષમ અધિકારીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના 08.00 કલાક પહેલા અને રાતના 10.00 કલાક પછી કરી શકાશે નહિં. આ હુકમ તા. 26/૦1/2021ના કલાક 00.00 થી તા.06/03/2021ના કલાક 24.00 સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.