બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે તાલુકા કક્ષાનો ‘ટોય ફેર’ સફળતાપૂર્વક સંપન્ન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદદાયક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડા મેળાનું આયોજન કરવાનું સરકારે ઠરાવેલ છે.
જેના ભાગરૂપે જી.સી.ઈ.આર.ટી.,ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતના સહયોગથી બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે તાલુકા કક્ષાના રમકડાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ મોડથી યોજાયેલ આ રમકડાં મેળામાં જુદા-જુદા પાંચ વિભાગોમાં એકથી એક ચડિયાતી ૪૨ જેટલી કૃતિઓ સ્પર્ધકોએ રજૂ કરી હતી.
ઓલપાડના બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે આ મેળા સંદર્ભે જણાવ્યું હતું કે રમતગમતના માધ્યમથી શીખવું એ બાળકના વિકાસનો મહત્વપૂર્ણ ભાગ છે. રમકડા અને રમતો બાળકોને તેમની સંવેદના, સમસ્યા ઉકેલ કૌશલ્ય,સંઘર્ષ નિવારણ અને અન્ય કુશળતાઓ વિકસાવવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આવા મેળાઓ બાળકોને તેમની પ્રાકૃતિક જિજ્ઞાસા, સર્જનાત્મકતા, નવીનતા અને સંશોધન ક્ષમતા અભિવ્યક્ત કરવા અને આગળ વધારવા માટે એક મહત્વનો મંચ પ્રદાન કરશે.
તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડાયટના પ્રતિનિધિ અને સ્પર્ધાના કન્વીનર શ્રીમતી હીમાબેન પંડ્યા, બી.આર.સી.કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ,ભરતભાઈ પટેલ (સી.આર.સી. કીમ), મિતેશ પટેલ, વિજય પટેલ, સુરેન્દ્ર સેવક, જતીન પટેલ તથા ચિરાગ પટેલે સેવા આપી હતી.
અંતમાં પ્રથમ ક્રમાંકિત પરિણામો નીચે મુજબ ઘોષિત થયા હતા. વિભાગ-૧ (પાયાના તબક્કા)-રાજનગર પ્રાથમિક શાળા, વિભાગ-૨ (પ્રાથમિક)- એરથાણ પ્રાથમિક શાળા, વિભાગ-૩ (ઉચ્ચતર પ્રાથમિક)- સાયણ પ્રાથમિક શાળા, વિભાગ-૪ (માધ્યમિક)- ડી.આર.જી.ડી.સાર્વજનિક વિદ્યાલય,સાયણ, વિભાગ-૫ (ઉચ્ચતર માધ્યમિક)-એમ.આર.સી.હાઇસ્કૂલ, દિહેણ
સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા બ્લોક એમ.આઇ.એસ. સંજય રાવળે ખડેપગે રહી સુંદર ટેકનીકલ સહયોગ આપ્યો હતો. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other