આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સામે પોલીસ ફરીયાદ રદ કરવા તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આવેદન પત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ, વ્યારા દ્વારા આજરોજ તાપી જીલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપી ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સામે પોલીસ ફરીયાદનો વિરોધ દર્શાવ્યો હતો.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા DM, DDO તેમજ CDHO ને અપાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, પંચાયત સેવા હેઠળ આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ રાજય સરકારને અને પંચાયત વિભાગના નિયમોનુસાર રજુઆત કરતું આવ્યું છે. તેમ છતાં નિકાલ ન થતા તા.૨૭ / ૦૨ / ૨૦૨૧૯ અને તા .૨૫ / ૧૨ / ૨૦૧૯ ના સમયે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક આંદોલન કરેલ ઉપરોકત સમયે નામદાર રાજય સરકારે મહાસંઘ સાથે થયેલ સમાધાન મુજબ પડતર પ્રશ્નો તબકકાવાર નિરાકરણ લાવવા લેખીત ખાતરી આપેલ હતી. તેમ છતાં તા.૦૯ / ૦૫ / ૨૦૧૯, તા.૧૦ / ૦૫ / ૨૦૧૯, તા.૧૪ / ૦૫ / ૨૦૧૯ અને તા .૨૨ / ૧૨ / ૨૦૨૦ ના રોજ ચાર તબકકામાં ક્ષેત્રીય ફેરણી ભથ્થુ આપવા અને તમામ કેડરની ગ્રેડ પેની ફાઈલો નાણાં વિભાગે અસ્વીકાર કરી પરત કરવામાં આવેલ હોય આરોગ્ય કર્મચારીઓમાં સ્વયંભુ આક્રોશ ઉઠતા ત્રીજીવાર આંદોલન કરવાની ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘને ફરજ પડેલ છે. સબબ ઉપરોકત સમયગાળા દરમ્યાન માર્ચ –૨૦૨૦ થી ગુજરાતભરમાં કોવિડ –૧૯ ની મહામારી ફેલાતા પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓએ છેલ્લા ૧૦ માસથી એકપણ દિવસની રજા લીધા વગર સમગ્ર રાજયમાં જાનના જોખમે સઘન સર્વે કામગીરી કરેલ છે. રાજયભરમાં ૧૨૭૪ જેટલા આરોગ્ય કર્મચારીઓ સર્વેલન્સ દરમ્યાન સંક્રમિત થયા છે અને પાંચ આરોગ્ય કર્મચારી તથા તેમના પરિવારે પણ જાનની આહુતિ આપી છે. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘે રજુ કરેલ પડતર માંગણીઓનો રાજય કક્ષાએ નિકાલ કરવાના બદલે આરોગ્ય કર્મચારીઓના સ્વયંભુ આંદોલનને કચડી નાખવા , કાયદાકીય રીતે ડરાવવા રાજય સરકાર દ્વારા પ્રયાસો થઈ રહયા છે. જેને મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. ઉપરોકત બાબત ઓછી હોય તેવી રીતે હવે એપેડેમીક એકટ -૧૮૯૭ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ -૨૦૦૫ ના ઓથા હેઠળ શાંત રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા ગુજરાતભરના કોરોના વોરિયર્સના અવાજને દબાવી દેવા ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા અને ગાંધીનગર આરોગ્ય કર્મચારી મંડળના મંત્રી કિલ્પાબેન પટેલ સામે એપેડેમીક એકટ -૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ -૨૦૦૫ ના ભંગની પોલીસ ફરીયાદ કરવામાં આવેલ છે. જેને તાકીદે રદ કરવા આવેદન પત્ર સોંપ્યુ છે.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ફરજ ઉપર હાજર થવા અંગે સ્પષ્ટીકરણ કરાયું છે કે, જયાં સુધી ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ તરફથી ફરજ પર હાજર થવાનો બીજો આદેશ ન મળે ત્યાં સુધી આરોગ્ય કર્મચારીઓને ફરજ પર હાજર થવાનો તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળથી કોઈપણ પ્રકારનો આદેશ આપી શકાય તેમ નથી.