વ્યારા ખાતે અધિક કલેક્ટર વહોનીયાની અધ્યક્ષતામાં સંચારી રોગનિયંત્રણ સમિતીની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં રોગચાળા તેમજ ટોબેકો કંટ્રોલ સંદર્ભે સંચારી રોગોના નિયત્રંણ અને અટકાયતી કાર્યક્રમ હેઠળ આંતર વિભાગીય સંકલનની બેઠક તાજેતરમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં અધિક કલેક્ટર બી.બી.વહોનીયાની અધ્યક્ષતામાં મળી હતી.
આ બેઠકમાં વર્ષ-૨૦૧૯ દરમિયાન ફાઈલેરીયા આઈ.ડી.એ. કોઓર્ડીનેશન, સંચારી રોગચાળા નિયંત્રણ સમિતી, લેપ્ટોસ્પાયરોસીસ, સિઝનલ ફ્લુ, સિકલસેલ, મેલેરિયા અને તમાકુ નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ આરોગ્યલક્ષી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. અધિક કલેક્ટર વહોનીયાએ જિલ્લા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોક્જાગૃતિ કેળવવા માટે વ્યાપક પ્રચારલક્ષી પ્રવૃતિઓ અને કાર્યક્રમો કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ખાસ કરીને નગર પાલિકા વિસ્તારોમાં સઘન કામગીરી કરવા સલંગ્ન અધિકારીઓને સુચના આપી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં થયેલી અસરકારક અને પરિણામલક્ષી કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરી આકડાંકિય વિગતો રજુ કરી હતી. જિલ્લા આ વર્ષે વધુ વરસાદ હોવા છતાં આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલ સઘન પગલાઓથી રોગચાળા પર નિયંત્રણ રાખવામાં સફળતા મળી છે. અને એકપણ પાણીજન્ય રોગચાળો તથા સીઝનલ ફલુનો એક કેસ નોંધાયેલ. તદ્ઉપરાંત ડેન્ગ્યુના નોંધાયેલા કેસો પૈકી કોઇનું મરણ થયેલ નથી. ડેન્ગ્યુને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ઘરે ઘરે ફરીને એન્ટીલાર્વા કામગીરી, ફોગીંગ કામગીરી તેમજ તેના વ્યાપક પ્રચાર પ્રસાર દ્વારા લોકો સુધી આ અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે.
આ બેઠકમાં નાયબ પોલિસ વડા સંજય રાય, નગર પાલિકાના ચીફ ઓફિસર એસ.બી. પટેલ તમામ મેડિકલ ઓફિસરો સહિત સબંધિત અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.