તાપી જિલ્લા બેન્ડ યુનિયન દ્વારા લગ્ન પ્રસંગે બેન્ડ વગાડવાની પરમીશન આપવા કલેકટરને રજૂઆત કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ તાપી જિલ્લા બેન્ડ યુનિયન દ્વારા તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા એસ.પી. ને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ બેન્ડ વગાડવાની પરવાનગી માંગતી અરજી આપવામાં આવેલ છે.
બેન્ડ યુનિયન દ્વારા અપાયેલ અરજીમાં જણાવાયું છે કે, ગયા વર્ષથી થયેલ લોકડાઉનના કારણે બેન્ડ માલિકો તથા તેમના સાથે સંકળાયેલા બેન્ડ કારીગીરોનું જીવન નિર્વાહ કરવું હાલમાં મુશ્કેલ થઈ રહયુ છે. જે સંજોગો જોતાં બેન્ડ સંચાલકોને બેન્ડ વગાડવાની પરમીશન આપવામાં આવે. બેન્ડ યુનિયન દ્વારા નોંધમાં જણાવ્યું છે કે, બેન્ડ વગાડતા પહેલા જે ગામમાં બેન્ડ જશે ત્યાં સરકારશ્રી ગાઈડ લાઈન મુજબ માઈક ઉપર સૂચના આપવામાં આવશે અને લોકોને જાગૃત પણ કરવામાં આવશે. બેન્ડની ગાડી પર કોવિડ-૧૯નું બેનર લગાવામાં આવશે અને પ્રચાર પણ કરવામાં આવશે. સૅનેટાઇઝ અને માસ્ક પણ પહેરવામાં આવશે. સરકારશ્રીની ગાઈડ લાઇનનું લગ્ન પ્રસંગ ચુસ્ત પાલન કરવામાં આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ લગ્નમાં ૧૦૦ થી વધારે વ્યક્તિ ભેગા થશે તો બેન્ડ બંધ કરી દેવામાં આવશે. બેન્ડ માલિકો દ્વારા બધી સૂચનાઓનું પાલન કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવેલ છે.