સુરતની સુમુલ ડેરીની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન માધ્યમથી આવતી કાલે યોજાશે : માંગરોળ તાલુકાની દૂધ મંડળીના પ્રતિનિધિઓ માટે માંગરોળ ટાઉનહોલ ખાતે કરાયેલું આયોજન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સસ્થા એવી ધી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ (સુમુલ ડેરી) ની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા આવતી કાલે તારીખ ૧૫ મી જાન્યુઆરીનાં, શુક્રવારે સવારે ૧૦ કલાકે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેના અહેવાલો સુમુલ ડેરી સુરતનાં સદસ્યોને અગાઉથી મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાં મહામારીને પગલે સરકારે તમામ મોટી સહકારી સસ્થાઓને ઓન લાઈન વાર્ષિક સામાન્ય સભાઓ યોજવા આદેશ કર્યો છે. જેને પગલે સુમુલ ડેરીએ પણ સરકારનાં આદેશને ધ્યાને લઇ ચાલુ વર્ષની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા ઓન લાઈન યોજવાનું નક્કી કર્યું હતું. જેને પગલે આવતી કાલે તારીખ ૧૫નાં આ સભા યોજાનાર છે. સુમુલ તરફથી માંગરોળ તાલુકાની દૂધ મંડળીઓનાં સુમુલમાં મોકલેલા ઠરાવને આધારે જેમનું નામ મોકલયું છે. એ પ્રતિનિધિઓ માટે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી એસ. પી. એમ. હાઈસ્કૂલના ટાઉન હોલમાં ઓનલાઈન સભા રાખવાનું આયોજન કર્યું છે. ટાઉનહોલ ખાતે સુમુલ તરફથી સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે.