માંગરોળ- ઉમરપાડા તાલુકાની મુસાફર જનતા અગત્યનાં ST રૂટો શરૂ ક કરવામાં આવતાં ભોગવી રહ્યા છે ભારે પરેશાની : DC થી લઈ ડેપો મેનેજરો નિગમે આપેલાં મોબાઈલો રીસીવ કરતાં નથી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને પગલે એસ.ટી.વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તારોનાં અનેક એસ.ટી.રૂટો બંધ કરી દીધા હતા. આજે નવ માસ થઇ ગયા છે. હાલમાં કોરોનાં મહામારીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. બીજી તરફ શાળા -કોલેજો સરકારે શરૂ કરી દીધી છે.જ્યારે સરકારે કોરોનાની રસી મુકવાનું આયોજન કરી દીધું છે. સાથે જ રસીનો જથ્થો પણ આવી ગયો છે. ત્યારે અતિ પછાત એવા માંગરોળ અને ઉમરપાડા તાલુકાની મુસાફર જનતા માટે અતિ ઉપયોગી એવા બંધ કરાયેલા એસ.ટી. રૂટો શરૂ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. ખાસ કરી આ વિસ્તારનાં વિદ્યાર્થીઓ કે જેઓ ખોલવડ, કામરેજ, સુરત, માંડવી, ઝંખવાવ, વાંકલ ખાતે જાય છે.એવા વિદ્યાર્થીઓ હાલમાં ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. દેવમોગરા-સુરત (વાયા. મોસાલી, માંગરોળ, વાંકલ) નાઈટ રૂટ, માંડવી-માંગરોળ, માંગરોળ-કોસંબા ની તમામ ટ્રીપોનો સમાવેશ થાય છે.આ રૂટો શરૂ કરવા સુરતનાં એસ.ટી.વિભાગીય વડા,સુરત ગ્રામ્ય ડેપોના અને માંડવી ડેપોના ડેપો મેનેજરને એસ.ટી.નિગમે આપેલાં મોબાઈલો ઉપર સંપર્ક કરતાં આ અધિકારીઓ મોબાઈલ રીસીવ કરતાં નથી.એક તરફ તમામ એસ.ટી.ની બસોમાં લખાણ લખવામાં આવ્યું છે કે એસ.ટી. પ્રશ્ને કોઈ ફરિયાદ કરવી હોય તો આપેેલા મોબાઈલ ઉપર સંપર્ક કરો પ્રરતું અધિકારીઓ જ મોબાઈલ રીસીવ કરતાં નથી. ત્યારે ફરિયાદ કોને કરવી? આ પ્રશ્ને MD ને હવે રજુઆત કરવામાં આવનાર છે.