કુરિવાજો અને અંધશ્રધ્ધાઓ સામે બહેનો અવાજ ઉઠાવે દેશની મહિલાઓની ચિંતા રાષ્ટ્રીય મહિલા આયોગ કરે છે
મહિલા સશક્તિકરણ થકી જ સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ – રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઈ
વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની
મુલાકાત લઇ સમીક્ષા કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઈ
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૩ રાષ્ટ્રીય મહિલા આયોગ નવી દિલ્હીના સભ્ય ડો.રાજુલબેન દેસાઈઍ આજરોજ તાપી જિલ્લાની મુલાકાત લઇ કેન્દ્ર તથા રાજય સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓને લગતા પ્રશ્નો બાબતે મહિલાઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. ડો.રાજુલબેન દેસાઈએ આજરોજ આદિજાતિ મહિલાઓમાં જાગૃતિ અને મહિલા સશકિતકરણ માર્ગદર્શન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણના અધિકારો મળી રહે તેમ માટે મહિલા આયોગ કાર્યરત છે. દેશની મહિલાઓની ચિંતા રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવી રહી છે. મહિલાઓને લાગે કે, કોઈ તેમની રજુઆતો સાંભળતુ ન હોય તો તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક સાધી શકે છે. સમાજમાં કુરિવાજો અને અંધશ્રધ્ધાઓ સામે બહેનોએ અવાજ ઉઠાવવો જોઈએ. આજની યુવાપેઢીમાં મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશયથી સમયાંતરે માર્ગદર્શક સેમિનાર યોજાય તેમજ દીકરીઓના ઉછેર માટે લોકોની માનસિકતામાં બદલાવ આવે તેવા આશયથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને લોકસર્મથન મળ્યું છે.
મહિલા સશકિતકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ સબળાની છે અબળાની નહિ. ભક્તિમાં મીરા અને શક્તિમાં ભવાની સ્વરૂપ મહિલાઓનું છે. જેથી કોઈ પણ મહિલાઓ ધંધા કે નોકરીના સ્થળોએ પિડિત મહિલા ફરિયાદ કરી શકે છે. મહિલા સશકિતકરણ થકી સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા સરકાર પ્રયત્નશીલ છે.
એકશનએડ સંસ્થાના સુશિલાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશના ૨૫ જેટલા રાજ્યોમાં વિધવા બહેનો તેમજ એકલ બહેનોના ઉત્કર્ષ માટે સંસ્થા કામ કરે છે. તાપી જિલ્લામાં અંદાજીત ૧૬ હજાર જેટલી મહિલાઓ વિધવા સહાય માટે નોંધાયેલ છે. તેમના માટે આવાસ અને રોજગારી ક્ષેત્રને પણ આવરી લેવામાં આવ્યું છે.
મહિલાઓના કાર્યક્રમ બાદ ડો.રાજુલબેન દેસાઈએ વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી મહત્વના સૂચનો કર્યા હતા.સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પોલીસ સ્ટાફ અને કાનુની સહાય સ્ટાફ સાથે કામગીરી અંગે પરામર્શ કરાયો હતો. આ પ્રસંગે કેન્દ્ર અને રાજય સરકારની મહિલાઓના કલ્યણને લગતી અનેકવિધ યોજનાઓની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
મહિલા અને બાળ અધિકારી કચેરી,એકશનએડ સંસ્થા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બહેડા ગામના પીનાબેન ચૌધરીએ જમીન વારસાઈ અંગેની મુશ્કેલીઓ રજુ કરી હતી તેમજ કેટલીક બહેનો પાસે અંત્યોદય કાર્ડ ન હોવાનુ પણ જણાવ્યું હતું. જ્યારે કુંતાબહેને પોતાના ઘરનો કૌટુંબિક પ્રશ્ન રજુ કર્યો હતો. સામાજીક ન્યાય કેન્દ્રના રોશન સારોલિયા એ ઉપસ્થિત બહેનોને કાયદાઓની જાણકારી આપી હતી.
આ પ્રસંગે નાયબ કલેકટર નૈતિકા પટેલ, મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ, દહેજ પ્રતિબંધક અધિકારી ધર્મેશભાઈ વસાવા સહિત તાપી જિલ્લાની વિધવા બહેનો તેમજ એકલ મહિલાઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઉપસ્થિત રહી હતી.
૦૦૦૦૦૦