તાપી જીલ્લા આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે મમતા દિવસની કામગીરી ખોરવાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલલાના ગ્રામીણ વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જતા આજે ૧૦૦ કરતા વધારે ગામોમાં બાળ આરોગ્ય સેવાઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓની સેવાઓ, તરુણ તરુણઓની સેવાઓ, રસીકરણ, ટેકો એન્ટરી સેવાઓ ખોરવાઈ જવા પામી છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે ગઈ કાલથી ચારસો પચાસ જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જતા આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર થઈ છે. લેબોરેટરી ટેક્નિશિયન ન હોવાના કારણે કોઈ પણ પ્રકારના રોગોના નિદાનની કામગીરી થઈ ન હતી. ફાર્માસીસ્ટ, ના હોવાના કારણે દવા વિતરણ કામગીરી મેડિકલ ઓફીસરોએ જાતે કરવી પડી હતી. સ્ટાફ નર્સ ન હોય સ્થાનિક કક્ષાએ સંસ્થાકીય પ્રસુતિ થઈ શકી નથી. જેથી રેફરલ હોસ્પિટલ કે જનરલ હોસ્પિટલ ખાતે ધક્કા ખાય આરોગ્ય સેવાઓ લેવી પડી રહી છે. મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો દ્વારા ગ્રામ્ય કક્ષાએ થતુ મેલેરીયા, ટી.બી.ડેન્ગ્યુ જેવા અનેક સર્વે કામગીરી બંધ થઈ છે. લેબોરેટરી ટેક્નિશિયન ના હોવાના કારણે કોવીડ અંતર્ગત આર.ટી.પી.સી.આર. ના નમુના લઈ નિદાન કરવાની કામગીરી સદંતર બંધ થઇ છે. પી.એચ.સી. તાલુકા હેલ્થ ઓફિસ અને જીલ્લા કક્ષાએથી થતા રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ રિપોર્ટ ઠપ્પ થવા પામ્યા છે.