માંગરોળ અને ઉમરપાડા તાલુકાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાતાં વાલીઓ દ્વારા આપવામાં આવેલ સંમતિપત્ર લઈને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા
શાળાઓ ખુલતા ધોરણ ૧૦ અને ૧૨નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોનાના સતત વધતા જતાં કેસોને લઈને રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારના આદેશથી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.તારીખ ૧૧ જાન્યુઆરી સોમવારથી વિદ્યાર્થીઓ શાળા ખાતે પહોંચ્યા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦અને ૧૨ના વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા આપવામાં આવેલ સંમતિપત્રક લઈને હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા.હાઈસ્કૂલના પરિસરમાં પ્રવેશતાં પહેલાં વિદ્યાર્થીઓનું થર્મલગન અને ઓક્સોમીટર દ્વારા ચેકિંગ કરી હાથ સેનેટાઇઝ કરી માસ્ક પહેરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરેક વર્ગખંડમાં ૨૦થી ૨૨ વિદ્યાર્થીઓ બેસાડી સામાજિક અંતરનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ધોરણ-૧૦ના ૪૫૮ વિદ્યાર્થીઓમાંથી ૧૪૫ જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા આપવામાં આવેલ સંમતિપત્રક સાથે હાઇસ્કુલ ખાતે હાજર રહ્યા હતા. શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
રાજ્ય સરકારનો શાળાઓ શરૂ કરવાનો આ નિર્ણય આવકારજનક કહી શકાય તેમજ શાળાઓ ખુલવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવું હાઇસ્કૂલના આચાર્યશ્રી પારસભાઈ મોદીએ જણાવ્યું હતું.