કોરોના મહામારી વચ્ચે ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોની સરાહનીય કામગીરી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના મહામારીને પગલે હાલમાં રાજ્યભરની શાળાઓ બંધ છે. શાળાના વર્ગખંડો અને પટાંગણ સૂમસામ ભાસે છે. આ પરિસ્થિતિ વચ્ચે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ સતત ચિંતિત રહ્યો છે,જેના આપણે સૌ સાક્ષી છીએ.

શિક્ષણ વિભાગે બાળકોના ઘરે બેઠા અભ્યાસ માટે વિવિધ સર્વે હાથ ધરીને ઓનલાઇન શિક્ષણ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોનાના કહેરને પગલે શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયા બાદ હાલ વિવિધ ટેકનોલોજીના માધ્યમથી બાળકોને ઘરે બેઠા અભ્યાસ કરાવાઈ રહ્યો છે. જેને સઘન અને સફળ બનાવવા દરેક શિક્ષક ભાઈ-બહેનો પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે બાળકોને માર્ગદર્શિત કરવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, જે નોંધનીય બાબત છે.
ઓનલાઇન શિક્ષણ દ્વારા બાળકો કેટલું શીખ્યા તેનો માપદંડ કાઢવા માટે સરકારે એકમ કસોટી લેવાનો નિર્ણય કરેલ છે. આ એકમ કસોટીના પ્રશ્નપત્રો શાળાના શિક્ષક ભાઈ-બહેનો નિયત તારીખે બાળકોના ઘરે જઈ તેમના વાલીઓની હાજરીમાં બાળકોને હાથોહાથ પહોંચાડે છે. સમગ્ર રાજ્યને સમાંતર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનો પણ હોંશભેર કોરોનાની તમામ પ્રકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે મોકલવામાં આવતા પ્રશ્નપત્રો બાળકોના ઘરે-ઘરે રૂબરૂ પહોંચાડી શિક્ષણયજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.
તાલુકાની ભગવા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગિરીશભાઈ પટેલ આ બાળહિતની કામગીરી કરતા જોવા મળ્યા હતા. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ભગીરથ કાર્ય કરવામાં ખૂબ જ આનંદ આવે છે અને બાળકોને પણ શાળા બંધ છે એવો એહસાસ થતો નથી. તાજેતરની સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભામાં જિલ્લા સંઘના પ્રમુખ અને ઓલપાડ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલે ઓલપાડ તાલુકાના શિક્ષક ભાઈ-બહેનો સહિત સમગ્ર જિલ્લાના શિક્ષક ભાઇ-બહેનોની આ નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other