ઉત્તરાયણના પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું : પતંગ બજારમાં મંદીનો માહોલ : પતંગ રસિયાઓ મૂંઝવણમાં મુકાયા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે ઉતરાયણનાં તહેવારને ગણતરીનાં દિવસો જ બાકી છે. આ વર્ષે ગુજરાતમાં યોજાતો પતંગોત્સવ પણ આ વર્ષે નહિ યોજાય. દર વર્ષે ઉતરાયણનાં તહેવારનાં ૧૦-૧૫ દિવસ પહેલાં પતંગની ખરીદી અર્થે ભારે ભીડ જામતી હોય છે પરંતુ આ વર્ષે ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે સરકાર દ્વારા આ વર્ષે ઉત્તરાયણના તહેવારનાં ઉજવણીને લઈને ગાઈડલાઈન કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી રાહ જોવાઇ રહી છે. દર વર્ષ કરતા આ વર્ષે ઉત્તરાયણ નો તહેવાર અલગ જ છે દર વર્ષની જેમ આ વર્ષે અગાશી ઉપર વધુ માણસો ભેગા થઈ શકશે નહીં.
માંગરોળ તાલુકાના વાંકલ બજાર ખાતે પતંગના વેપારીઓએ જણાવ્યું કે, આ વર્ષે પતંગોનું વેચાણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. ઉતરાયણનાં તહેવારને લઈને સરકાર દ્વારા કયા પ્રકારની ગાઇડલાઈન જાહેર કરાય છે તે અંગે પતંગ રસિયાઓમાં મૂંઝવણ વર્તાઈ રહી છે. ત્યારે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેવું જણાવ્યું હતું.