આદિવાસી મહિલાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દીધી : પુત્રના જન્મ બાદ આરોપીનો ભાંડો ફૂટ્યો, ભાજપના આગેવાનની મહિલાને સળગાવી દેવા ધમકી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામની આદિવાસી મહિલા સાથે વ્યારા સ્ટેશન પાસે રહેતા એક મુસ્લિમ યુવકે પોતે કોકણી સમાજનો છે અને કુંવારો છે એવો વિશ્વાસ ઉભો કરી મહિલા સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી એને માતા બનાવી દીધી હતી . બાદમાં આ મહિલાને આરોપીએ તરછોડી દેતા સોનગઢ પોલીસ મથકે આરોપી યુવક અને મદદગારી કરનાર વ્યારાના ભાજપ અગ્રણી સામે ગુનો દાખલ થયો હતો . વ્યારા ખાતે રેલવે સ્ટેશન નજીક આવેલા ફળિયામાં રહેતો નઝીર ગનીભાઈ સૈયદ ( 43 ) પોતે પરણિત છે અને કુટુંબ પરિવાર સાથે રહે છે . નઝીર સૈયદના પરિચયમાં સોનગઢ તાલુકાના એક ગામ ની 29 વર્ષીય આદિવાસી મહિલા સંપર્કમાં આવી હતી અને એમની વચ્ચે પરિચય વધ્યો હતો. દરમિયાન નઝીરે મહિલા સાથે પોતે આદિવાસી કુકણા સમાજનો છે એવો વિશ્વાસ કેળવ્યો હતો અને હું તારી સાથે જ લગ્ન પણ કરવાનો છું એવો ભરોસો પણ આપ્યો હતો. બાદમાં નઝીરે મહિલા સાથે મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સબંધ પણ બાંધ્યા હતા, જેને પરિણામે મહિલા એક પુત્રની માતા પણ બની હતી. જો કે બાદમાં મહિલાએ આરોપીને લગ્ન કરી લેવાનું દબાણ કરતા આરોપી પરણિત હોવાનો ભાંડો 1 ફૂટ્યો હતો. મહિલાએ આરોપીને આપેલ 40,000 રૂપિયાની પણ ઉઘરાણી કરતા ગલ્લા તલ્લા કરતો હતો. દરમિયાન આરોપીના મિત્ર અને વ્યારા ભાજપના આગેવાન એવા નિલેશ લુહારે પણ મહિલા ને જણાવ્યું કે તું આદિવાસી સમાજની છે અને આ લોકોના સમાજમાં તારાથી બેસી ન શકાય તથા નઝીર તારી સાથે લગ્ન નથી કરવાનો એમ કહી મહિલાને જીવતી સળગાવી દેવા ધમકી આપી હતી. આમ આ પ્રકરણમાં આદિવાસી મહિલાએ આરોપી નઝીર ગની સૈયદ અને નિલેશ લુહાર બંને રહે.વ્યારા સામે સોનગઢ પોલીસ મથકે છેતરપિંડી, દુષ્કર્મ અને અટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ મહિલા અને તેની માતા પાસે 40,000 પણ પડાવી લીધા હતા
આ મહિલા સાથે પરિચય દરમિયાન આરોપીએ પોતાની આર્થિક મુશ્કેલી વર્ણવી મહિલા અને તેની માતા પાસે પરત કરવાની શરતે રોકડા 40,000 રૂપિયો પણ પડાવી લીધા હતા. આ રૂપિયા આરોપી પાસે મહિલા દ્વારા પરત માંગવામાં આવતા આરોપીએ તેને ધમકી આપી હતી અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા.
આરોપીઓ સામે કડક પગલાં ભરવા માંગ.
વીએચપીએ મામલતદાર સોનગઢને આપેલા આવેદનમાં જણાવ્યાનુસાર આદિવાસી જિલ્લામાં કેટલાક મુસ્લિમ યુવકો હિન્દુ હોવાનો ડોળ કરી આદિવાસી યુવતીને ફસાવતા હોય છે અને બાદમાં એમનું શારિરીક શોષણ કરી તરછોડી દેતા હોય છ. સોનગઢની યુવતીને ફસાવનાર નઝીર ગની સૈયદ અને તેને મદદ કરનાર નિલેશ લુહારની પોલીસ તાકીદે ધરપકડ કરે અને એમની સામે લવ જેહાદ સંદર્ભે કાયદા અનુસાર કામ ચલાવવામાં આવે અને કડક સજા ફટકારે તેવી માંગણી કરી હતી.