તાપી : પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાન કરાતાં ઉચ્છલ મામલતદારને આવેદન પત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લાનાં ઉચ્છલનાં ખાબદા થી નવાપુરનાં ગ્રામ્યવિસ્તારના આંતરિક રસ્તાઓ પર પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાન કરાતાં ઉચ્છલ મામલતદારને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપાયું.
ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર અંકુર વસાવા દ્વારા ઉચ્છલ મામલતદારને આવેદન પત્ર સોંપી પોલીસ દ્વારા કરાતી હેરાનગતિ બંધ કરી માનવીય અભિગમ અપનાવવા રજૂઆત કરાઈ. આવેદન પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ખાબદા થી નવાપુર તરફ જતો ગ્રામ્યવિસ્તારના આંતરિક રસ્તાઓ પર ખેડૂતો ખેતીકામેં ખેતરોમાં જતા હોય છે અથવા મજૂરો મજૂરીકામે જતા હોય છે અથવા તો શાંકભાજી વેચનારાઓ પોતાનું જીવન નિર્વાહન કરવા માટે નવાપુર તરફ જતા સમયમાં અને પરત ફરતા સમયમાં બાઈક ચાલક, રીક્ષા ચાલક વગેરે પાસે લાઈસન્સ, માસ્ક, હેલ્મેટના નામે પોલીસ તંત્ર દ્વારા મોટો દંડ ફટકારવામાં આવે છે. હાલ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં તમામ રોજગાર ધંધાઓ ભાંગી પડ્યા હોય અને ગરીબ આદિવાસીઓ નવાપુર બજારમાં રોજિંદા મજૂરી રૂ. ૧૫૦, ૨૦૦ રોજગારી મેળવવા જતા હોય છે. તે સમય દરમિયાન વાહન ચાલકો ને રોકી અન્ય બહાના બતાવીને દંડ વસુલવામાં આવી રહેલ છે, આથી આપ સાહેબશ્રીની કક્ષાએથી પોલીસતંત્ર ને જરૂરી તાકિદ કરી માનવીય અભિગમ દાખવી અને ગ્રામ્યવિસ્તારમાં આંતરિક રસ્તાઓ પર ગરીબ લોકોને માસ્ક, હેલ્મેટ, લાઈસન્સના નામે ખોટા દંડ ના કરે તેવી સૂચના આપવા આપ સાહેબને વિનંતી છે.