મહા વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાપી વહીવટીતંત્ર સાબદુ
વાવાઝોડા દરમિયાન ખોટી અફવાઓથી દુર રહી આધારભૂત સૂચનાઓને જ
ધ્યાને લેવા જિલ્લા પ્રશાસનની નાગરિકોને અપીલ.
વ્યારા ખાતે અગમચેતીના પગલાં અંગેની બેઠક યોજાઇ
તાપી જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા હવામાન ખાતાની આગાહી મુજબ સતત રાજય સરકારના સંપર્કમાં રહેવા સાથે મહા વાવાઝોડાને પહોંચી વળવા તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે.મહા વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તમામ તૈયારીઓ સાથે તાપી વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે. કલેકટર આર.જે હાલાણીએ મહા વાવાઝોડાને લઇને તાપી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ હોવાની સાથે આજે જિલ્લા સેવા સદન વ્યારા ખાતે પોલીસ, પંચાયત, પુરવઠા, કૃષિ, માર્ગ મકાન, આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, ફાયર ઓફિસર સહિત સબંધિત તમામ વિભાગના અધિકારીઓની બેઠક યોજી લોકોની સલામતી માટે આવશ્યક કાર્યવાહી કરવા તાકીદ કરવા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
કલેક્ટરે વાવાઝોડા દરમિયાન જિલ્લાના તમામ ગામોમા ભારે થી અતિભારે પવનની તેજ ગતિથી કોઇ પણ પ્રકારે જાનહાનિ ન થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપી તકેદારીના તમામ પગલાં લેવા અધિકારીઓને તાકીદ કરી હતી.
કલેક્ટર હાલાણીએ વહીવટી તંત્રના તમામ વિભાગોને સતર્ક કરવા સાથે માર્ગ મકાન વિભાગ ધ્વારા તાલુકા મુજબ જેસીબી મશીન, લોડર તેમજ ટ્રી કટીંગના સાધનો સહીત તમામ સાધનો સાથે ટીમો તૈયાર રાખવા, આરટીઓ ધ્વારા જરુરી વાહન વ્યવસ્થા માટે ટીમ, આરોગ્ય વિભાગ ધ્વારા ટીમ તેમજ રેવન્યુ વિભાગ ધ્વારા રાહત બચાવ માટેની ટીમોનું ગઠન કરી તૈયાર રહેવા ,પુરવઠા વિભાગને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવવા સહિત સલંગ્ન કામગીરી કરવા સુચના આપી હતી. વાવાઝોડા દરમિયાન લોકો ગેરમાર્ગે ન દોરાય અને ખોટી અફવાઓથી દુર રહે તે માટે તમામ ગામોને વિશેષ પણે સાવચેત કરવા ગ્રામ્ય વિસ્તારમાં તલાટીશ્રીઓને રાઉન્ડ ધ કલોક હેડકવાર્ટરમાં રહેવાની સુચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાથી તા. ૬ થી ૮ નવેમ્બર સુધી ભારે વરસાદ તેમજ પ્રતિ કલાક ૬૦ થી ૭૦ કિ.મી. ની ઝડપે પવનની ગતી રહેવાનની ચેતવણી જાહેર કરેલ છે. ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તથા તકેદારી રાખવા જીએસડીએમએ ઘ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા પ્રમાણેની તમામ તૈયારીઓ રાખવા કલેક્ટરશ્રીએ નાગરિકોને પણ અપીલ કરી છે.
વાવાઝોડામાં મદદ માટે નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ કંટ્રોલરૂમનો સંપર્ક કરવો. વાવાઝોડાની પરિસ્થિતિમાં સુરક્ષિત આશ્રયસ્થાને રહેવા, વિજળી-ગેસના જોડાણો બંધ રાખવા કોઇપણ કટોકટીની પરિસ્થિતીના સામના માટે આપત્તિ પ્રતિકારક સાધનો તૈયાર રાખવા, ખાસ કરીને ટોર્ચ, ખાવાની ચીજવસ્તુઓ, પીવાનું પાણી, કપડા, રેડીયો સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સાથે રાખવા વાવઝોડા સંદર્ભે પ્રસિધ્ધ થતા સમાચારો અને ચેવણીઓ સતત સાંભળતા રહેવા, ઉપરાંત સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહીને ખોટી અથવા અધૂરી જાણકાની માહિતી અર્થાત અફવાઓથી દુર રહી આધારભૂત સૂચનાઓને જ ધ્યાને લેવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, ડી.એફ.ઓ. આનંદકુમાર, અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયા, ના.પોલિસ વડા સંજય રાય, પ્રાંત અધિકારી તુષાર જાની, કા.પાઈશ્રી એ.જી.વસાવા સહિત સલંગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.