વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દિવડયાવનથી ચીખલા અને માછળી થી ચિખલા ને જોડતો કોઝવે બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દિવડયાવન થી ચીખલા અને માછળી થી ચિખલા ને જોડતો કોઝવે પર ચોમાસા બાદ રીપેરીંગ કામ ના કરાવતા કોઝવે બિસ્માર અને ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બિમારી સમયે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે બિસ્માર કોઝવેને રીપેરીંગ કામ કરાય તેવી ગામ લોકોની માંગ ઉઠી છે. ચોમાસામાં જિલ્લાના વઘઇ તાલુકાના ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના પગલે ગાંડીતુર બનેલ પૂર્ણાં નદીના ધસમસતા પૂર ના પાણી દિવડયાવન થી ચીખલા ને જોડતા કોઝવે અને માછળી થી ચિખલાને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવેનું નામોનિશાન મટી જતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી કોઝવે પર બનાવવામાં આવેલ સળિયા સાથે નું સ્લેબ ઉખડી જતા માર્ગનું અસ્તિત્વ મટી જતા આ વિસ્તારના લોકોને બીમારી કે ઇમરજન્સી વખતે દવાખાના સુધી પહોંચવા પણ દુષ્કર બની જતા ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ત્યારે હાલ આ વિસ્તારના લોકો કોઝવે પર પગપાળા જવાય તેવી પરિસ્થિતિમાં મોટર સાયકલ ચલાવી ભયજનક સ્થિતિ માં અવરજવર કરી રહ્યા છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા કોઝવે પર (સ્લેબ) વેરીંગ કોટ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે. જેને કારણે આ મુશ્કેલીનુ નિવારણ લાવી શકાય એમ છે તથા આસપાસના ગામોને આવવા-જવાની કાયમી મુશ્કેલી દૂર થાય એમ પણ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારના લોકોની આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવે છે.