તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા ખાતે ખેડૂતોને શ્રદ્ધાંજલિ : આગામી દિવસોમાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને જિલ્લા વડામથક વ્યારાનાં સરિતા નગર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના માજી મંત્રી ડો તુષારભાઈ, ધારાસભ્ય આંનદભાઈ, પ્રમુખ ભિલાભાઈ અને મુકેશ ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય આંનદભાઈ એ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને નિર્ણયના કારણે ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યાં છે. ભાજપ સરકારે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરીને ભારતના અન્નદાતાને મરણતોલ ફટકો માર્યો છે. આ સમગ્ર બાબતને લઈને દેશભરમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને સમગ્ર દેશના ખેડૂતો ૨૪ દિવસથી દિલ્હીમાં વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોના આ અહિંસક આંદોલનમાં ૨૨ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. આ સંજોગોમાં પ્રદેશ પ્રમખ આદરણીયશ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર ખેડૂત આંદોલનને સમર્થન તેમજ ભાજપ સરકારે પસાર કરેલ ત્રણ કાળા કાયદા વિરૂધ્ધ તાપી જિલ્લા વડામથકે તેમજ તમામ તાલુકા વડામથકે નીચે મુજબ કાર્યક્રમ યોજવામાં આવશે.
૨૩/૧૨/૨૦૨૦ બુધવાર – ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક મંદિરોમાં દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ રર ખેડૂતો શ્રદ્ધાંજલિ (જિલ્લા – તાલુકા પંચાયત બેઠકને અનુલક્ષીને)
૨૪/૧૨/૨૦૨૦ ગુરુવાર – ભાજપ સરકારે પસાર કરેલ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાની તાલુકા કક્ષાએ હોળી.
૨૬/૧૨/૨૦૨૦ શનિવાર – ખેતી બચાવો – ખેડૂત બચાવો , ચલો ખેતરે – ચલો ગામડે , ખેડૂતો સાથે સંવાદ.
૦૧/૦૧/૨૦૨૧ શુક્રવાર થી ૧૦/૦૧/૨૦૨૧ – જનસંપર્ક અભિયાન ખેડૂત કાળા કાયદા વિરુધ્ધ આવેદનપત્રમાં સહી ઝુંબેશ • પત્રિકા વિતરણ.