સુમુલ ડેરીએ માંગરોળ દૂધ મંડળીનો લોનનો જે હપ્તો નક્કી કર્યા હતો, એનાં કરતાં વધુ રકમ કાપી લેતાં, આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી દૂધ મંડળી અચોક્કસ મુદ્દત માટે કાન ચલાઉ બંધ : પશુપાલકોમાં મચી દોડધામ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક ખાતે ધી માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડ કાર્યરત છે. આ મંડળીના કેટલાંક પશુપાલકોએ દુધાળા પશુઓ ખરીદવા માટે લોન લીધી છે. આ લોનનાં હપ્તાપેટે જે રકમ દર મહિને ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે દર મહિને દૂધ મંડળી તરફથી જે દૂધ આખા માસનું સુમુલમાં ભરવામાં આવ્યું હોય, એ દૂધનાં હિસાબની રકમમાંથી નક્કી કરાયેલ લોનનાં હપ્તાની રકમ કાપી લઈ બાકીની રકમની MT દૂધ મંડળીને મોકલી આપવામાં આવે છે. પરંતુ હાલમાં સુમુલ ડેરીએ લોનનાં હપ્તાની જે રકમ નક્કી કરાઈ હતી,એનાં કરતાં ૨ લાખ, ૯૩ હજાર રૂપિયા વધુ કાપી લેતાં માંગરોળ દૂધ મંડળીના સંચાલકોએ જ્યાં સુધી સુમુલ ડેરી આ રકમનો ઉકેલ ન લાવે ત્યા સુધી કામચલાઉ દૂધ મંડળી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત ગઈકાલે સાંજે મંડળીના નોટીસ બોર્ડ ઉપર લખવામાં આવી હતી.ત્યારબાદ પશુપાલકો પોતાનું દૂધ ભરવા દૂધ મંડળી ખાતે આવતાં અને નોટીસ બોર્ડ વાંચતા પશુપાલકોમાં એક તબક્કે દોડ ધામ મચી જવા પામી હતી. કારણ કે આ મંડળીના ઘણાં સભાસદો છે. તે હવે પોતાનું દૂધ ભરવા ક્યાં જાય એ એક વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. જો કે કેટલાંક સભાસદોએ નજીકની દૂધ મંડળીમાં હાલમાં પોતાનું દૂધ ભરવાનું શરૂ કર્યું છે. પરંતુ સભાસદોનાં હિતમાં સુમુલ ડેરી આ રકમ પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવે જેથી સભાસદો જે હેરાન થઈ રહ્યા છે. તે બંધ થાય.