કોરોનાની રસી માટે માંગરોળ તાલુકા મથક ખાતેથી ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): છેલ્લા ઘણાં લાંબા સમયથી જેની રાહ પ્રજાજનો જોઈ રહ્યા છે. એ કોરોનાની રસી હવે આવવાની બિલ્કુલ તૈયારી છે. ત્યારે સરકાર તરફથી આ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસી પ્રથમ કઈ ઉંમર વાળાઓને આપવી સહિતની માહિતી એકત્ર કરવા માટે સર્વે ટીમોને કામે લગાડવામાં આવી છે. માંગરોળ તાલુકામાં તાલુકા મથક માંગરોળ ખાતેથી આ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડોર ટુ ડોર સર્વે ટીમો ફરીને સર્વેની કામગીરી કરી રહી છે. જેમાં કુટુંબમાં જે સભ્યો છે. એમનાં નામો, ઉંમર, ખાંસી, શરદી, તાવ, બ્લડપ્રેશર કે સુગર સહિતની કોઈ બિમારી છે એની નોંધ તૈયાર કરાયેલા ફોર્મેટમાં નોંધવામાં આવી રહી છે. આ તમામ માહિતી માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આપવામાં આવશે. ત્યાંથી સરકારનાં નિયત ફોર્મમાં આ માહિતીઓ ભરીને મોકલવામાં આવશે. જેનાં આધારે કોરોનાની રસી પ્રજાજનોને મુકવામાં આવશે.