ડાંગ : વઘઇ બીલીમોરા નેરોગેજ બંધ કરવાના નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિત રાજ્યની કુલ ૧૧ નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે અને તેની જાહેરાત પણ કરી દીધી છે. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે તેવો એક પત્ર ચર્ચગેટ મુંબઇ ખાતે ને મોકલી આપ્યો છે. ડાંગના વઘઇ ખાતે વેપારી મંડળને આ બાબતની જાણ થતાં સરપંચ સહિત વેપારી મંડળના ચાર સભ્યો રેલવે સ્ટેશને પહોંચી સ્ટેશન સુપરિટેન્ડન્ટ ને મળવા પહોંચી ગયા હતા અને ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ માટે પ્રયત્નો કરવા રજુઆત કરી હતી. ડાંગના વેપારીઓનું કહેવું છે કે દેશમાં અનેક રેલવે લાઈન ખોટ કરે છે તો એ તમામ ને બંધ કરી દેવામાં આવશે, ગુજરાતમાં એકતરફ કરોડોના ખર્ચે બુલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેન ને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પુરાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ નેરોગેજ ટ્રેનો ૧૦૦ વર્ષ અગાઉ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ સરકાર પાસે શરૂ કરાવી હતી. જેમાં ઊંડાણવાળા જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને સુવિધા મળે અને ત્યાં અંગ્રેજો અને સાગી ઇમારતી, સીસમના લાકડાની લાવવાની સુવિધા ઊભી થઈ હતી કાળક્રમે વાહન વ્યવહાર વધવાની સાથે આ નેરોગેજ નો પ્રવાસ લાંબો લાગતાં લોકોએ તેનો ઉપયોગ ઓછો કરે છે.