માંગરોળ સીવીલ કોર્ટમાં આજથી કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ કોર્ટ કાર્યવાહી શરૂ : વકીલોમાં આનંદની લહેર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે. પરંતુ કોરોનાં મહામારીને પગલે તથા લોકડાઉન જાહેર કરવામાં આવતાં અનેક કામગીરીઓ, નોકરી ધંધા, ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. ત્યારથી જ કોર્ટોની કામગીરીઓ પણ બંધ થઈ જવા પામી હતી. પરંતુ હાલમાં ધીરેધીરે લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. અને સાથે જ કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ માર્કેટ, ઉદ્યોગો, કચેરીઓ સહિતની સેવાઓ શરૂ કરાઇ રહી છે. ત્યારે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સીવીલ કોર્ટમાં પણ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આમ ઘણાં લાંબા સમય બાદ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવતાં વકીલોમાં આનંદની લહેર પ્રસરી છે. પરંતુ આ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. એનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સાથે જ ફેરિયા કે મુલાકાતીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આમ હવે કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવતાં વકીલો અને અસીલોનાં કોર્ટને લગતાં કામો કોર્ટમાં ચાલશે. કોર્ટમાં પુરૂષ અને મહિલા વકીલોએ પણ હાજરી આપવાનું શરૂ કરી દીધું છે.