તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે કોરોનાં ટેસ્ટની કામગીરી શરૂ, હવે સુરત સીવીલ હોસ્પિટલ સુધી નહીં જવું પડે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલઅને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાં ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવતાં, હવે આ ટેસ્ટીંગ માટે સુરત સીવીલ હોસ્પિટલ સુધી નહીં જવું પડે. તાલુકા મથક માંગરોળ ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી કોરોનાં મહામારીને પગલે કોરોનાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આ ટેસ્ટીંગ માટે અગાઉ માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે કે અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડનાં સેમ્પલ આપી, આ સેમ્પલ સુરત, સીવીલ હોસ્પિટલ ખાતે ટેસ્ટીંગ માટે મોકલવામાં આવતાં હતાં. જેનો રીપોર્ટ બીજે કે ત્રીજે દિવસે આવતો હતો. ઇમર્જન્સીમાં આ રીપોર્ટ જોઇતો હોય તો સુરત ખાતે સીવીલ હોસ્પિટલ ખાતે અથવા ખાનગી લેબોરેટરીમાં જવું પડતું હતું. ખાનગી લેબોરેટરીમાં ખર્ચ ચૂકવવો પડે છે. પરંતુ હાલમાં ફરી કોરોનાં મહાનારીએ માથું ઉચકયું હોય ગુજરાત રાજ્યની બહાર જવું હોય કે અન્ય કામગીરી માટે કોરોનાં નથી એ અંગેનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. આવા સમયે તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાં ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને પગલે હવે કોરોનાં ટેસ્ટીંગ ત્વરીત થઈ જશે. હવે પ્રજાજનોએ આ માટે સુરત જવાની તથા બે દિવસ સુધી રીપોર્ટની રાહ જોવામાંથી મુક્તિ મળી છે. આ સેવા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવતાં પ્રજાજનોએ આ નિર્ણયને આવકારી આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. જો કે આ ટેસ્ટીંગ માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે આ ટેસ્ટીંગ માટે લોકો વહેલી સવારથી જ આવે છે.