તાપી જિલ્લાના બુધવાડા ગામે રૂા.૨.૩૨ કરોડના ખર્ચે રસ્તાના નિર્માણકાર્યનો પ્રારંભ
ઉકાઈ ડેમ વિસ્તારમાં આઝાદી પછી સૌપ્રથમવાર બુધવાડા થી જુની કુઈલીવેલ પાકો રસ્તો મંજૂર.
આદિવાસી સમાજ પ્રકૃતિની ગોદમાં જીવનારો સમાજ છે
– આદિજાતિ,વન અને મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા
(માહિતિ બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૨૯ઃ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બુધવાડા ગામે રાજ્યના આદિજાતિ,વન અને મહિલાબાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને,સાંસદ પરભુભાઈ વસાવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રસ્તાના કામનું ખાતમુહુર્ત કરાયું હતું.
મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પ્રકૃતિની ગોદમાં વસનારો સમાજ છે. પર્યાવરણની જાળવણી આદિવાસી સમાજ કરે છે. અંબાજીથી ઉમરગામ સુધી વસનારા અને જંગલની જમીન ખેડતા આદિવાસી લોકોને અત્યાર સુધીમાં ૧૩ લાખ એકર જમીન આપવામાં આવી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સતત આપણી ચિંતા કરે છે. મારા આદિવાસી ભાઈઓ-બહેનો માટે વનબંધુ યોજના હેઠળ વિવિધ વિકાસના કામો માટે રૂા.એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૮,૨૭૩ લોકોને જંગલ જમીનના હક્ક પત્રો આપવામાં આવ્યા છે. આજે આ વિસ્તારના ૧૫૨ લોકોના કેસ મંજૂર કર્યા છે. આ લભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સનદ વિતરણ કરાયું હતું.
ઉકાઈ ડેમ ના કેચમેન્ટ એરિયામાં આવેલ ખૂબ જ અંતરિયાળ બુધવાડા ગામે રસ્તો જ ન હોવાથી ગ્રામજનો ભયંકર મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા.મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના આગેવાનોને અમે ગાંધીનગર લઇ ગયા આપણા મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને મળ્યા ત્યારબાદ નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીનભાઈ પટેલને રજૂઆત કરી અને માત્ર ૧૫ દિવસમાં જ બુધવાડાથી કુઈલીવેલ ૭ કિ.મી. રસ્તાની મંજૂરી મળી ગઇ. જેના નિર્માણ માટે રૂા.૨.૩૨ કરોડના ખર્ચ થશે. આ વિસ્તાર વનવિભાગ હેઠળ હોવાથી રસ્તાના કામમાં વિલંબ થયો હતો.તાપી વન વિભાગ ના અધિકારીઓને ઝડપથી વહીવટી કામગીરી પૂર્ણ કરવા બદલ મંત્રી શ્રી વસાવાએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. સાથે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે આપણે સૌએ સરકારશ્રી તેમજ આરોગ્ય વિભાગની ગાઈડ લાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
સાંસદ શ્રી પરભુભાઈ વસાવાએ અહીંના લોકોની વ્યથાને વાચા આપતા જણાવ્યું હતું કે ૧૦૮ પણ અહીં આવી શકતી ન હતી. આઝાદી પછી સૌપ્રથમ વાર આ રસ્તાની મંજૂરી મળી છે.આ વિસ્તારના લોકોએ ઉકાઈ ડેમના નિર્માણ માટે ખૂબ યોગદાન આપ્યું છે. અહીંના ૮ ગામોને રેવન્યુમાં સમાવવાની પણ કાર્યવાહી ચાલુ છે. વિસ્થાપિત લોકોની ખુશી માટે સરકારે મંજૂરીની મહોર મારી છે. અહીંના લોકો મહારાષ્ટ્ર સાથે પણ સામાજીક સબંધો ધરાવે છે. ડેમના પાણીને કારણે અંદાજીત ૧૦૦ કિ.મી.નો ચકરાવો આ લોકોને મારવો પડે છે. ત્યારે આ લોકોની સમસ્યા હલ કરવા માટે હોડી ઘાટ શરૂ કરી આધુનિક મશીનવાળી હોડી આપવાનું પણ સરકારશ્રીનું આયોજન હોવાનું સાંસદ વસાવાએ કહયું હતું.
કલેકટર હાલાણીએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૫,૮૧૬ થી વધુ કુટુંબોને NFSA હેઠળ અનાજ વિતરણ કરાયું છે. વિધવા સહાયના લાભો મંજૂર કરાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઇ સામાજીક જીવન ઉંચુ લઇ જઈ શકાય છે.
બુધવાડા ગામે રસ્તાના ખાતમુહુર્ત પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી આનંદકુમાર,મદદનીશ વન સંરક્ષક સરવૈયા, આદિજાતિ વિકાસ અધિકારી એચ.એલ.ગામીત, પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેરશ્રી બારોટ,ડો.જયરામભાઈ ગામીત, જિ.પંસદસ્ય સરિતાબેન વસાવા,સોનગઢ નગર પ્રમુખ ટપુભાઈ ભરવાડ,અમલપાડા સરપંચ શ્રી ઈશ્વરભાઈ વસાવા, વાજપુર,ફતેપુર, બોરદા,અમલપાડા, ગવલાણ,બાવલી,ખેરવાડા,સાતકાશી વિગેરે ગામના આગેવાનો સહિત આરોગ્ય, પોલીસ અને વન વિભાગના અધિકારી/પદાધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦