માંગરોળ, ઉમરપાડા અને માંડવીના ગ્રામીણ વિસ્તારોમાં ST રૂટો શરૂ કરવા મુસાફર જનતાની માંગ : અપુરતા ટ્રાફીકથી દોડતા એક્સ્ટ્રા રૂટો બંધ કરવા જરૂરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ, ઉમરપાડા અને માંડવી ના ગ્રામીણ વિસ્તારોમાં ST રૂટો શરૂ કરવા મુસાફર જનતાએ માંગ કરી છે. સાથે જ અપુરતા ટ્રાફીક થી દોડતા એક્સ્ટ્રા રૂટો બંધ કરવાનો હવે સમય આવી ગયો છે. એમ પ્રજાજનો જણાવી રહયા છે. કોરોનાની મહામારીને પગલે ST સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ જેમ જેમ લોકડાઉન હટાવી લેવાની જાહેરાતો થતાં ST રૂટો ધીરે ધીરે શરૂ કરવામાં આવી રહયા છે. માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાનાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી પ્રજા રહે છે. હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની અસર નહીંવત જોવા મળી રહી છે. જેને પગલે કામ ધધા, મજૂરી, ઉદ્યોગો શરૂ થઈ ગયા છે.ત્યારે ગ્રામીણ વિસ્તારોની પ્રજાએ કેવી રીતે અન્ય સ્થળો ઉપર પોહચવું એ એક વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.આ ત્રણ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ ST રૂટો માંડવી ST ડેપો દ્વારા દોડાવવામાં આવે છે. માંડવી ST ડેપો ખાતે કુલ ૭૮ ST રૂટોનું સંચાલન થાય છે. જેમાંથી હાલમાં માત્ર ૫૫ ST રૂટો દોડાવવામાં આવી રહ્યા છે. હાલમાં આ ST ડેપો તરફથી ગ્રામીણ વિસ્તારો નાં ST રૂટોના ભોગે દાહોદ, ગોધરા, અમદાવાદ, વલસાડ વગેરે સ્થળો ઉપર એક્સ્ટ્રા ST રૂટો દોડાવવામાં આવી રહ્યા છે. આ રૂટો ઉપર અપૂરતો ટ્રાફીક મળવાથી ડીઝલ બળે એટલી આવક આવી રહી છે. જેથી આ રૂટો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ઉપરોક્ત ત્રણ તાલુકા સહિત તાલુકાનાં ગ્રામીણ વિસ્તારોના ST રૂટો શરૂ કરવામાં આવે એવી માંગ જનતા તરફથી કરવામાં આવી છે.હાલમાં ગ્રામીણ વિસ્તારોની પ્રજા ખાનગી વાહનોના સહારે અપ ડાઉન કરે છે. ST સેવા બંધ હોય ખાનગી વાહન ચાલકો મરજી મુજબ પેસા લઈ રહ્યા છે. સુરત એસ.ટી. વિભાગનાં વિભાગ્ય એસ. ટી. વડા તાકીદે પ્રજાજનોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ એવી માંગ પ્રજાજનોએ કરી છે.