તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની રચના કરવામાં આવી
મયંકભાઇ જોશી, વિક્રમભાઈ તરસાડીયા, પંકજભાઈ ચૌધરીની મહામંત્રી તરીકે નિમણૂક
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તેવા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની આજરોજ ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પાર્ટીના જુના જોગી મયંકભાઇ જોશી, યુવા નેતા વિક્રમભાઈ તરસાડીયા અને પંકજભાઈ ચૌધરીની મહામંત્રી તરીકે નિમણૂંક કરાતા સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ એ ઉત્સાહિત થઈ એકબીજાના મોઢા મીઠા કરાવી અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
આજરોજ ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા સંગઠનની ઘોષણા કરવામાં આવી જેમાં ધાર્યા મુજબના જ નામો જાહેર થયા હતા, તાપી જિલ્લા રાજકારણના ચાણક્ય મનાતા મયંકભાઈ જોશીની તાપી જીલ્લા મહામંત્રી તરીકે ઘોષણા કરવામાં આવી હતી, તેમની સાથે જ યુવા મોરચાથી પોતાની કારકિર્દી શરુ કરનાર અને યુવાઓમાં પ્રસિદ્ધ એવા વિક્રમભાઈ તરસાડીયા અને રાજકીય સામાજિક અગ્રણી પંકજભાઈ ચૌધરીની નિમણૂક પણ જિલ્લા મહામંત્રી તરીકે કરાતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ હતી. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા, સાથોસાથ નવનિયુક્તિઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા, સોનગઢથી જીગ્નેશભાઈ ડોનવાળા અને વેચ્યાભાઈ વસાવાને ઉપપ્રમુખ તો અનિતાબેન પાટીલને મંત્રી તરીકે જાહેર કરાયા હતા. આ વખતે ઉચ્છલ-નિઝર, ડોલવણ, કુકરમુંડા અને સોનગઢ, વ્યારા દરેક તાલુકાથી હોદ્દેદારોને પાર્ટીમાં જગ્યા આપવામાં આવી છે. જે ખરેખર જિલ્લા પ્રમુખ જયરામભાઈ ગામીતની સૌને સાથે લઈને ચાલવાની નીતિ ઉજાગર કરે છે, પાર્ટીનું નવું જાહેર થયેલું માળખું ભવિષ્યમાં તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવશે અને આવનારી ચુંટણીઓમાં ભવ્ય વિજય હાંસલ કરાવશે તેવી લોકોએ આશા વ્યક્ત કરી હતી.