તાપી : રાષ્ટ્રીય દૂગ્ધ દિવસ’ નિમિત્તે મૈયાલી ગામે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્વેત ક્રાંતીના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ ૨૬, નવેમ્બર નિમિત્તે સમગ્ર ભારતમાં આ દિવસને ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી, મહિલા સામખ્ય – તાપી અને પશુ દવાખાનું, સોનગઢ દ્વારા સોનગઢ તાલુકાના મૈયાલી ગામે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં મૈયાલી ગામના કુલ ૪૬ જેટલા પશુપાલકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. વધુમાં અંદાજિત ૧૩૨ જેટલા દુધાળા ગાયો – ભેંસોની જુદી – જુદી પ્રકારની સારવાર જેવી કે પ્રજનનક્રીયા સારવાર, ગર્ભ ચકાસણી, ઈતરડીની સમસ્યા, દૂધ ઉત્પાદનમાં ઘટાડો વગેરે જેવી સમસ્યાઓનું ડો. વી. કે. પરમાર, પશુ ચિકિત્સક, સોનગઢ અને તેની ટીમ દ્વારા સફળ રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું. તદઉપરાંત અંદાજિત ૪૦ જેટલા બકરાઓને કૃમિનાશક દવા પણ આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પશુપાલન વિષયના વૈજ્ઞાનિક ડો. જે. બી. બુટાણીએ સદર કેમ્પ દરમ્યાન ગામના પશુપાલકોને આ પ્રકારના પશુ સારવાર કેમ્પનું મહત્વ તથા તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. ગામના સરપંચ શ્રીમતી અંકીતાબેન ગામીતએ સદર કેમ્પમાં હાજર રહી પશુપાલકોને આ કેમ્પમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
સદર પશુ સારવાર કેમ્પને સફળ બનાવવા માટે મહિલા સામખ્ય – તાપીના જિલ્લા સંકલન અધિકારી શ્રીમતી કનક્લત્તાબેન રાણા અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.