વિકાસ કમિશ્નર એમ.જે. ઠક્કરની અધ્યક્ષતામાં ઉચ્છલ ખાતે વિકાસશીલ તાલુકાની સમીક્ષા બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના વિકાસ કમિશ્નર અને સચિવશ્રી ઉચ્છલ તાલુકો એમ.જે.ઠક્કરની ઉપસ્થિતીમાં આજે મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે વિકાસશીલ તાલુકાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ઉચ્છલ તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત હાથ ધરાયેલ વિકાસ કામોની પ્રવર્તના સ્થિતી અંગે સચિવશ્રીએ સબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી. સચિવશ્રીએ ખાસ કરીને વર્તમાન કોરોના સમયમાં બાકી રહી ગયેલ કામો તાત્કાલિક શરૂ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પુરા કરવા સુચના આપી લોકોની પ્રાથમિક જરૂરિયાતને લગતા કામોને અગ્રતા આપી ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પુરા કરી લોકોને મદદરૂપ થવા સબંધિત અધિકારીને જરૂરી સુચનો કર્યા હતા. જુદાજુદા વિભાગો સાથે સંકળાયેલ કામોને પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા તથા ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય, વીજળી, સિંચાઈ,પીવાનું પાણી, કૃષિ, શિક્ષણ, સ્વચ્છતા જેવી બાબતોને પ્રાધાન્ય આપવા સુચન કર્યુ હતુ.
આ પ્રસંગે સચિવશ્રી ઠક્કરે લોકોના વિવિધ લોક્પ્રશ્નો સાંભળ્યા હતા અને સબંધિત ખાતાના અધિકારી પાસેથી જાણકારી મેળવી કેટલાક પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરવા ઉપરાંત કેટલાક પ્રશ્નો બાબતે વહેલી તકે ઉકેલ લાવવા સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
બેઠકમાં કલેક્ટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘે વિકાસશીલ તાલુકો અંતર્ગત વિવિધ યોજનાકિય જોગવાઈઓ હેઠ જુદાજુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી રહેલ વિકાસ કામોની વિગતવાર જાણકારી આપી વર્તમાન કોરોના મહામારીના લીધે બાકી રહેલ કામો તાત્કાલિક શરૂ કરવા તથા ચાલુ કામોને વહેલી તકે પુરા કરવાની સચિવશ્રીને ખાતરી આપી હતી. સમગ્ર બેઠકનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોઢિયાએ કર્યુ હતુ. બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વીજળી,માર્ગ-મકાન,પાણી પુરવઠા,સિંચાઈ વિભાગના ઈજનેરો સહિત સલંગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.